અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં રહેતા 74 વર્ષીય ગોપાલ પટેલે રૂ. 5 લાખની મેડિક્લેમ પોલિસી લીધી હતી. જેને તેઓ દર વર્ષે નિયમિત રિન્યુ કરાવતા હતા. પરતું પોલિસી લીધાના 2 વર્ષ બાદ તેમને હાર્ટ એટેક આવતા ડૉક્ટરના સલાહ-સૂચનથી તેમણે બાયપાસ સર્જરી કરાવી હતી.જેમાં ગોપાલભાઈની સર્જરી સહિતનો ખર્ચ 3.49 લાખ રૂપિયા થયો હતો. જેથી તેમણે વીમા કંપની પાસે વળતર મેળવવા દાવો કર્યો હતો.જો કે, વીમા કંપનીએ ખોટી શરતો આગળ મૂકીને આ ક્લેમને નકારી દીધો હતો.
વીમા કંપનીએ ગોપાલ પટેલના વળતરના દાવા સામે 2 વર્ષની પોલિસી બાદ ત્રીજા વર્ષની પોલિસી માટે નવું પ્રોપઝલ ફોર્મ ભરાવ્યું હતું. એટલું જ નહીં, ત્રીજા વર્ષની પોલિસી કોઈપણ ભંગ કર્યા વિના પહેલી પોલિસી તરીકે ગણી હતી અને ત્રીજા વર્ષની પોલિસીને નવી પોલિસી તરીકે ગણાવીને વીમાનું વળતર ચૂકવવાનો ઇનકાર કર્યો હતો.
વીમા કંપનીએ ખોટી શરતો આગળ ધરી વળતર આપવાનો ઇનકાર કરતા ગોપાલ પટેલ ગ્રાહક સુરક્ષા પગલા સમિતિ પાસે પહોંચ્યા હતા. ગ્રાહક સુરક્ષા પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે તમામ દસ્તાવેજોની ચકાસણી કરીને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં અરજી કરી હતી જેના પગલે તમામ સુનાવણીઓના અંતે ગ્રાહક પંચના પ્રમુખ ટી.બી ગુજરાતીએ નોંધ્યું હતું કે દર્દીને ડાયાબિટીસ અને હાયપર ટેન્શન હોવાનો આક્ષેપ કરી 2 વર્ષની પોલિસીને સળંગ ગણવાનો ઇનકાર કર્યો હતો.
વીમા કંપનીએ ત્રીજા વર્ષે પોલિસી રીન્યુ કરવા બદલે નવી પોલિસી ગણીને તેમના નામ બદલી ગ્રાહક સાથે છેતરપિંડી કરી હતી. કાયદેસર વીમાની રકમ મળવાપાત્ર હોવા છતાં અમાન્ય ગણાવી હતી. ગ્રાહક પંચે વીમા કંપની સામે નારાજગી દર્શાવીને દર્દીના મેડિકલનો તમામ ખર્ચો, માનસિક આઘાત માટે અલગથી અને વીમા કંપનીને 35 હજારની વિશેષ ખર્ચ તેમજ 3.49 લાખનું વળતર 8% વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષની લાંબી લડત બાદ કોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો હતો. ગ્રાહકના હક્ક તરફથી અને ગ્રાહકને વ્યાજ સહિત નાણા ચૂકવવાનો આદેશ આપ્યો છે. આશા રાખીએ ગોપાલભાઈ જેવા તમામ ગ્રાહકો જાગૃત બને અને પોતાનો હક મેળવે.