પેટ્રોલ અને ડીઝલનું ટેન્કર લઈને નિકળેલા બે ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓ ઝુંડાલ પાસેના એક ખેતરમાં ટેન્કર ઊભું રાખીને પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ચોરી કરી રહ્યા હતા. જેને લઇને ચાંદખેડા પોલીસે રેડ કરતા જ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને ચોરી કરેલુ 90 લીટર પેટ્રોલ અને 120 લીટર ડીઝલ સહિત કુલ રૂ.26.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઝુંડાલ અનન્યા સ્કૂલ પાસે આવેલા એક ખેતરમાં ત્રણ શખ્સો ટેન્કરમાંથી ડીઝલ અને પેટ્રોલની ચોરી કરતા હોવાની ચાંદખેડા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તે જગ્યાએ દરોડો પાડીને ટેન્કરમાંથી પેટ્રોલ – ડીઝલની ચોરી કરનાર લક્ષ્મણ ગુપ્તા (રહે. લાંભા રોડ), ઉગ્રશ્યામ ઉર્ફે ઉગ્ગુ રાજપૂત (રહે. ચાંદખેડા) અને તેના ભાઈ અશોક રાજપૂતને ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ટેન્કરમાંથી 90 લીટર પેટ્રોલ અને 120 લીટર ડીઝલની ચોરી કરી હતી. જેથી પોલીસે ટેન્કર સહિત કુલ રૂ.26.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન ટેન્કર ઈન્ડિયન ઓઈલના ડેપોથી પેટ્રોલ-ડીઝલ લઈને વાવોલ સરબા પેટ્રોલિયમ તથા બીજા એક પેટ્રોલ પંપ પર લઇ જવાનું હતું. તે પહેલા પેટ્રોલ-ડીઝલની ચોરી કરવા માટે ટેન્કર ઝુંડાલ લાવ્યા હતા અને પેટ્રોલ તથા ડીઝલ કાઢી રહ્યા હતા ત્યારે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પકડાયેલા આરોપી ઉગ્રશ્યામ અને અશોક વિરુદ્ધ વર્ષ-2018માં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ટેન્કરના વાલ્વ બોક્ષમાં એક ઇલેક્ટ્રોનિક ગેઝેટ આપેલુ હોય છે. જે ખોલવા માટે પંપ પર જ્યારે ટેન્કર આવે ત્યારે ઓટીપી આપવામાં આવે ત્યારે જ આ વાલ્વ બોક્સ ખુલતું હોય છે. પરંતુ આરોપીઓએ આ લોકને સળિયાથી ખોલીને ચોરી કરવાનું શરૂ કર્યું હતું.