સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જોરશોરથી તેજ ગતિએ ચાલી રહી છે. વેસુ વિસ્તારમાં છેલ્લા 15 દિવસ પૂર્વે જ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું હતું. જ્યાં મીટર લાગ્યા ત્યાં અત્યારથી જ લોકો ચાર ગણું બિલ પખવાડિયામાં આવી રહ્યું હોવાની ફરીયાદો કરી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં સ્માર્ટ મીટરો સંપૂર્ણ રીતે હજી આખા શહેરમાં લાગ્યા નથી અને પાયલટ પ્રોજેક્ટ તરીકે વેસુ વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવતા જ વિવાદ ઊભો થયો છે.
વેસુ નિર્મળ નગર SMC આવાસ અને સોમેશ્વરા એન્કલેવ સહિતના વિસ્તારોમાં જ્યાં સરેરાશ બે મહિનાના વીજ બિલ 2000થી 3000 રૂપિયા આવતા હતા. એ ગ્રાહકોએ 2000 થી 3000 રૂપિયાનું રિચાર્જ કરાવતા માત્ર 15 દિવસમાં રિચાર્જની રકમ પૂરી થઈ જતાં વેસુનાં લોકોએ પીપલોદ DGVCL કચેરીએ હોબાળો મચાવ્યો હતો.
વીજ કંપનીઓના અધિકારીઓએ વીજ બિલ ગરમીમાં વધુ વપરાશને લીધે આવ્યા હોવાનું જણાવી નવું રિચાર્જ કરાવવું પડશે એવી વાત કરતા ટોળું ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈની ઓફિસે પહોંચ્યું હતું દેસાઇએ ફરિયાદ કરવા આવેલા ગ્રાહકોને પાછલા વર્ષના બિલની ઝેરોક્ષ કોપી આપી જવા જણાવ્યું હતું, જેથી DGVCLનાં અધિકારીઓ અને ઊર્જા મંત્રીને ડેટા સાથે રજૂઆત કરી શકાય.
વેસુના રહેવાસીઓનું કહેવું છે કે, જ્યારે તેઓએ ડિજીવીસીએલના અધિકારીઓને ઊંચા બીલ અંગે ફરિયાદ કરી તો તેઓએ તેને ટાળી દીધો. સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે અને ગ્રાહકને કોઈ રિબેટ આપવામાં આવે છે કે કેમ તે અંગે દ્વિધા ઊભી થઈ છે.કોમન ગંભીર ફરિયાદ ગ્રાહકોની એ છે કે,બે મહિનામાં 2000 રૂપિયા આવતું વીજળીનું બિલ માત્ર 15 દિવસમાં 4000 રૂપિયા સુધી પહોંચી જઈ રહ્યું છે. રાજેશ કેજરીવાલે જણાવ્યું હતું કે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈને ફરિયાદ કરી છે તેમણે બધા બિલ ભેગા કરીને આવો.પછી અધિકારીઓ પાસે જ ડેટા મેચ કરાવીશું એવી ખાતરી આપી છે.
અમે વેસુ વિસ્તારના 100 અલગ-અલગ લોકો પાસેથી ગયા વર્ષના માર્ચ-એપ્રિલના બિલ એકત્ર કરી રહ્યા છીએ. અમે એક-બે દિવસમાં બધી વિગતો ભેગી કરી તેમને કેલ્ક્યુલેશન સાથે ડેટા આપીશું. આજે સ્થિતિ એવી છે કે વેસુ વેલ્ફેર સોસાયટી પણ પારદર્શિતાની માંગણી સાથે મેદાનમાં આવી છે. તેમણે સત્તાપક્ષ અને વિપક્ષને આ મુદ્દે ન્યાય અપાવવા ફરિયાદ કરી છે.