ગાંધીનગરના ઈન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ સેન્ટરના પૂર્વ સાયન્ટિફિક અધિકારીનો વિશ્વાસ કેળવી ઝુંડાલ ખાતે આવેલ વિવાન એલીશીયમ નામની સ્કિમની અંદર ભાગીદારીમાં દુકાનોમાં રોકાણ કરાવી તેમજ ગોતાની જમીન ખરીદવા હાથ ઉછીના પૈસા લઈ શાહ પરિવારે 3 કરોડ 96 લાખની છેતરપિંડી આચરતા અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેકટર-1 ખાતે રહેતા ભરતકુમાર દોશી ઈન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ ખાતે સાયન્ટિફિક ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને હાલમા નિવૃત્તિ જીવન ગુજારે છે. તેમને વર્ષ – 2021માં સમાજના ચંદ્રકાંતભાઈ અમૃતલાલ શાહ સાથે મારે પરિચય થયો હતો. ઘણીવાર ધાર્મિક – સામાજિક પ્રસંગે મળતા હોવાથી અવારનવાર ચંદ્રકાંતભાઈ દુકાનો – જમીનોમાં પૈસાનું રોકાણ કરતા હોવાની વાત ભરતભાઈને કરતા હતા. જેથી ભરતભાઈએ ભાગીદારીમાં પૈસાનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું.
જે અન્વયે ચંદ્રકાંતભાઈએ એપ્રિલ – 2021 ઝુંડાલ ખાતે આવેલ વિવાન એલીશીયમ નામની સ્કિમ બતાવી ભાગીદારીમાં દુકાનો વેચાણ રાખવા કહ્યું હતું. એ વખતે ચંદ્રકાંત ભાઈએ કહેલું કે અત્યાર સુધી મેં બ્લેકના પૈસા આપેલ છે. હવે બિલ્ડરને વ્હાઈટના પૈસા આપવાના છે, તમારો આ દુકાનોમા 25% હિસ્સો છે અને આ સ્કિમ તૈયાર થઈ જાય એટલે આપણે દુકાનો વેચી મારીશું. જેનાં પગલે ભરતભાઈએ રૂ. 1.70 કરોડના ચેક ચંદ્રકાંતભાઇ તથા તેમની પત્ની આશાબેન, દિકરા દિપ ચંદ્રકાંતભાઈ શાહ તથા તેમની દિકરી કૃષિ ચંદ્રકાંતભાઈ શાહનાં નામે આપ્યા હતા. જે બાબતે તેમણે ભરોસો રાખી કોઈ લખાણ કે ચિઠ્ઠી પણ કરી ન હતી.
જોકે સમય જતાં દુકાનોનાં બાનાખતની વાત કરતાં ચંદ્રકાંતભાઈ હું તમારા ઘરનો જ માણસ છુ અને આ રોકાણ કરૂ છુ એ તમારી સામે જ ઉભુ થાય છે. તેમા દસ્તાવેજ કે બાનાખતની ક્યા જરૂર છે કહી ગલ્લા તલ્લા કરતા હતા. બાદમાં ચંદ્રકાંતભાઈએ ગોતાની જમીનનાં કાગળો બતાવી ભરતભાઈ પાસેથી બીજા બે કરોડ ચેક સ્વરુપે લીધા હતા. ત્યારે આખા શાહ પરિવારે મોટી મોટી વાતો કરી ભરતભાઈ સહીતના પરિવારને વિશ્વાસમાં લઈ લીધા હતા. બાદમાં ચંદ્રકાંતભાઈએ પૈસાની જરૃર હોવાનું કહીને બીજા 55 લાખ હાથ ઉછીના લીધા હતા. જે પૈસા ચૂકવવા નોટરીનું લખાણ પણ કરી આપ્યું હતું.
બાદમાં ચંદ્રકાંતભાઈએ સંપર્કો ઓછા કરી દેતા ભરતભાઈએ ઝુંડાલની સ્કીમ તેમજ ગોતાની જમીનમાં કોઈ રોકાણ કર્યું નહીં હોવાનું સામે આવ્યું હતું. ત્યારે માંડમાંડ ચંદ્રકાંતભાઈ સાથે સંપર્ક થતાં તેણે આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા. આખરે પોતાની સાથે રૂ. 3 કરોડ 96 લાખની છેતરપિંડી થતાં ભરતભાઈએ ચંદ્રકાંત શાહ તેમના પત્ની અને દીકરા દીકરી વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.