ગુજરાતમાં સુરત અને વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે સરકારે સૌ પહેલા ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવી ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી ઓફિસોમાં પ્રયોગ સફળ ગયા પછી જ નવા સ્માર્ટ મીટર ઘરોમાં લગાવવામાં આવશે.
ઊર્જા વિભાગના એમડી જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, લોકોનો વિશ્વાસ જીતી અને પછી પ્રોજેક્ટ આગળ વધારીશું. કોઈ જબરદસ્તી કરવામાં આવશે નહીં, સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવીશું. જ્યાં મીટર લાગ્યાં છે ત્યાં લોકોને સમજાવાશે. પેન્ડિંગ બિલ ઈએમઆઈમાં લેવામાં આવતા હતા. જૂના અને નવા મીટરની રકમ બેલેન્સ કરવામાં આવશે. વપરાશ પ્રમાણે ટેરિફ પ્લાન છે એટલે ટેરિફ સમજી લોકો વિચારણા કરે. લોકોને સંતોષ થાય તે બાદ જ આગળ વધીશું. હાલ સરકારી કચેરીમાં શરૂઆત કરીશું.
વધુમાં જણાવ્યું હતું કે, મીડિયામાં રિપોર્ટેડ તમામ કેસ શોધવા પ્રયાસ કર્યા છે. તમામ કેસમાં તપાસ કરાવી છે, એક પણ બાબતમાં તથ્ય જોવા મળ્યું નથી. જ્યારથી કન્ઝ્યુમર તરીકે છે ત્યારથી અમારી પાસે ડેટા છે. જે લોકો સ્માર્ટ મીટરમાં અત્યારસુધી ચુકવણી કરી રહ્યા છે તેમને જો કોઈ ફરિયાદ આવે એમાં તપાસ કરવા માટે અમે કટિબદ્ધ છીએ.
વધુમાં જણાવ્યું હતું કે, લોકોને વિશ્વાસ બેસશે ત્યારપછી જ
અમે આગળ વધીશું. મહાનુભાવો છે એમના ઘરે સ્માર્ટ મીટર
લગાડવાના છીએ. અમે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે,
કોઈ અફવામાં ન આવે. એક પણ મીટરમાં ખામી જોવા મળે
તો જવાબદારી અમારી છે. અમે એનાલિસિસ કરવા તૈયાર
છીએ. અમે એક એક બિલ ચેક કરાવવા માટે તૈયાર છીએ.
અમે બન્ને મીટર ચાલુ રાખીશું. લોકોને અપીલ છે કે, તમને
કોઈ વિસંગતતા જોવા મળે તો અમને કહેજો. અમે આની
જવાબદારી સ્વીકારવા તૈયાર છીએ. અમે ચેલેન્જ સાથે કહી
શકીએ કે, આમાં કોઈ ખામી નથી. ખામી હશે તો અમારી
કરેક્શન કરવાની જવાબદારી છે.
MGVCLના મેનેજિંગ ડાયરેક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે, 2021માં ભારત સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે હવે એગ્રિકલ્ચર સિવાયના જેટલા પણ ગ્રાહક હોય એ તમામને ત્યાં સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ કરવાનો છે. આ નોટિફિકેશનના આધારે અમે મધ્ય ગુજરાતમાં પણ આ પ્રોજેક્ટની શરૂઆત કરી.
તેજસ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે અમે પાઇલટ પ્રોજેક્ટ
હેઠળ કુલ 27 હજાર જેટલા ગ્રાહકોને ત્યાં આ સ્માર્ટ મીટર
નાખી ચૂક્યા છીએ. આમ તો આ પ્રોજેક્ટ હેઠળ 25 હજાર
જેટલાં મીટરો નાંખવાનાં હતાં પણ અમે 27 હજાર જેટલો
આંકડો પૂર્ણ કર્યો છે. આ લાગેલા મીટરના તમામ ડેટાનું
એનાલિસિસ કરીને અને લોકોમાં જે ચિંતા ઊભી થઇ છે તેને
જાણીને અમે આગળ વધીશું.
તેજસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમે જે પાઇલટ
પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તેમાં બેઝિકલી એ જાણવા માંગીએ
છીએ કે તે લગાવ્યાં પછી અમે કઈ રીતે તેનો ડેટા કલેક્ટ
કરી શકીશું અને એ ડેટાનો ઉપયોગ કઈ રીતે કરી શકીશું,
ગ્રાહકોને તે કઈ રીતે ઉપયોગી બનશે. સૌ પ્રથમ તો મધ્ય
ગુજરાતમાં મારા જ ઘરેથી તેની શરૂઆત કરી હતી. એ પછી
અમે તબક્કાવાર વડોદરા, ગોધરા અને નડિયાદની ગવર્નમેન્ટ
કોલોનીમાં આ સ્માર્ટ મીટર લગાવ્યાં હતાં. એક ચોક્કસ
વિસ્તારમાં ગ્રાહકોની જરૂરિયાત વધુ હોય છે કારણ કે
કેટલાંક મીટરોની વચ્ચે એક ડીસીઆઈ યુનિટ હોય છે જેનો
ડેટા સિસ્ટમમાં આવે છે એટલે અમે મધ્ય ગુજરાતમાં અલગ
અલગ પ્રકારની જિયોગ્રાફી અને વિસ્તાર પસંદ કર્યો જેથી
અમને સંપૂર્ણ પ્રકારની માહિતી મળી શકે. કોઈ જગ્યાએ
કેટલીક વાર કનેક્ટિવિટીના પણ ઈશ્યૂ આવે છે તો તેને કેવી
રીતે દૂર કરી શકાય તેનો આઈડિયા પણ પાઇલટ પ્રોજેક્ટથી
આવે.
તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે ગ્રાહકને જૂનું બિલ આપવામાં આવે અને એ પછી સ્માર્ટ મીટર રિપ્લેસ કરવામાં આવે એ દરમિયાનનો જે સમયગાળો હોય અને તેનો જે વપરાશ હોય છે તેને અમે 6 મહિનાના અંતરે વસૂલ કરીએ છીએ. જો સામાન્ય ભાષામાં સમજ આપું તો જે દિવસે તમારા ઘરે સ્માર્ટ મીટર લાગે તે દિવસથી જ તમારા સ્માર્ટ મીટરનું એકાઉન્ટ શરૂ થઈ જાય છે. એટલે તમારા તમામ યુનિટ સ્માર્ટ મીટરમાં જ નોંધાય છે એટલે પર ડે જેટલા યુનિટ સ્માર્ટ મીટરમાં નોંધાય છે તે હિસાબે એનર્જીના ચાર્જિસ કેલ્ક્યુલેટ થાય છે. એ પ્રમાણે જ તમારા ડેઈલી બિલની ગણતરી થાય છે. જે પ્રિપેડ બેલેન્સ હોય તેમાંથી કપાય છે. જે ચાર્જ રૂટિન બિલમાં લઈએ છીએ એ જ પ્રકારનો ચાર્જ અમે સ્માર્ટ મીટરમાં દિવસ દરમિયાન ગણીએ છીએ.