રાજકોટ TRP ગેમઝોનમાં સર્જાયેલ માનવ સર્જિત અગ્નિકાંડમાં 28 લોકો જીવતા હોમાઈ ગયા પછી ગાંધીનગર મ્યુનિસિપલ તંત્ર દ્વારા 15 જેટલા ગેમઝોન તેમજ સેકટર – 6 માં ચાલતો બાળ નગરી આનંદ મેળો પણ બંધ કરાવી દેવાયો છે. જોકે, ગત વર્ષે 11 જૂન 2023ના રોજ સેકટર – 7 રહેણાંક વિસ્તારમાં હેતુફેર કરીને બનાવવામાં આવેલી પી.જી હોસ્ટેલમાં ગેસ લીકેજનાં કારણે લાગેલી ભીષણ આગમાં 20 જેટલા વિધાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. એ વખતે તક્ષશિલા કાંડ સર્જાતા રહી ગયો હોવા છતાં તંત્ર દ્વારા સેકટર – 7 માં હેતુફેર કરીને ધમધમતા દવાખાના – પી.જી હોસ્ટેલો સામે આંખ આડા કાન કરવામાં આવતાં સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.
સુરતમાં વર્ષ 2019માં સર્જાયેલા તક્ષશિલા કાંડ જેવી દુર્ઘટના ગત વર્ષે જૂન 2023માં ગાંધીનગરમાં સર્જાતાં રહી ગઈ હતી. ગાંધીનગરના સેક્ટર – 7 માં રહેણાંક મકાનમાં ચાલતી પી.જી હોસ્ટેલના ધાબા ઉપર તાણી બાંધવામાં આવેલા પીવીસીનાં શેડમાં ગેસ લીકેજનાં કારણે ભીષણ આગ લાગતાં 20 – 25 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્રેના રહેણાંક વિસ્તારમાં ધમધમતા દવાખાના, હોસ્પિટલો ઉપરાંત પી.જી હોસ્ટેલો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
ગાંધીનગર સેકટર – 7 વિસ્તારમાં રહેણાંક મકાનોનો હેતુફેર કરીને ગેરકાયદેસર દવાખાના, હોસ્પિટલ, પી.જી હોસ્ટેલ સહિતની કોમર્શિયલ પ્રવૃતિઓ ધમધમી રહી છે. આ મામલે સ્થાનિક વસાહતીઓ સહિતનાએ ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ તંત્રની બેદરકારીના કારણે 11 જૂન 2023નાં રોજ પી.જી હોસ્ટેલનાં ધાબા ઉપર પીવીસીના શેડે વિકરાળ આગ પકડી લીધી હતી. જેનાં કારણે હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓનાં જીવ પડીકે બંધાઈ ગયા હતા.
એ વખતે સેકટર – 7/સી શિવ શક્તિ મંદિર પાસે અપ્રમાણસર મિલ્કતનાં કેસમાં એસીબીનાં સકંજામાં આવેલા નિવૃત મામલતદાર વીરમભાઈ દેસાઈના બે મકાનો પૈકીનાં એક મકાનમાં ભાડૂઆત દ્વારા પી.જી હોસ્ટેલ શરૂ કરી ધાબા પર શેડ બાંધીને રસોડાની પણ સુવિધા ઉભી કરી દેવાઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે રસોડામાં રાખેલા ગેસ સિલિન્ડરમાં લીકેજનાં કારણે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેનાં કારણે અહીં રહેતા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. થોડીવારમાં તો આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસના વસાહતીઓ પણ પોતાના મકાનમાંથી ગભરાઈને બહાર આવી ગયા હતા.
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ધ્વારા બે ગેસ સિલિન્ડર નીચે લાવીને ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. એ વખતે પણ સ્થાનિકોમાં અત્રે રહેણાંક વિસ્તારમાં ચાલતી હોસ્પિટલ, દવાખાના, પી.જી હોસ્ટેલ સહિતની કોમર્શિયલ પ્રવૃતિઓ બંધ કરાવી દેવા માંગ પ્રબળ બની હતી. હવે રાજકોટ અગ્નિકાંડની ઘટના પછી પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા માત્ર ગેમઝોન – આનંદ મેળા સામે કાર્યવાહી શરૂ કરી સંતોષ માનવામાં આવી રહી રહ્યો હોય એવું સ્થાનિકો જણાવી રહ્યા છે.
આ અંગે શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, સેકટર – 7 રહેણાંક વિસ્તારમાં અઢળક દવાખાના/હોસ્પિટલ અને પી.જી હોસ્ટેલ ધમધમી રહી છે. ઘણાએ દવાખાનામાં સુવિધાનાં નામે પીવીસીનાં શેડ તાણી બાંધ્યા છે. જે રીતે રાજકોટ અગ્નિકાંડ સર્જાયો એ જોતાં અહીં રહેણાંક પ્લોટના મકાનોમાં આવી કોમર્શિયલ પ્રવૃતિઓ સદંતર બંધ કરાવી નાગરિકોના જાન માલના રક્ષણ માટે આકરા પગલા જોઈએ. આ સંદર્ભે સરકાર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને પણ રૂબરૂમાં રજૂઆત કરીશું.
આ અંગે ગાંધીનગર ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ફાયર ઓફિસર કે. જે. ગઢવીએ જણાવ્યું હતું કે, રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃતિઓ, બિયું પરમિશન સહિતની જવાબદારી જેતે સંબંધિત વિભાગની છે. ફાયર તંત્રનું કામ જરૂરી અગ્નિશામક યંત્રો લાગેલા છે કે નહીં એનું છે. જ્યારે પીવીસી શેડ બાંધવામાં આવે તે દબાણ તંત્રને જોવાનું રહે છે. કોઈ બંગલા ટાઈપ બિલ્ડિંગમાં ચાલતી કોમર્સિયલ પ્રવૃતિઓ સબબ ફાયર એનઓસી લેવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ આવા એકમોમાં ચાલતાં દવાખાના, હોસ્પિટલ તેમજ પીજી હોસ્ટેલમાં ફાયરનાં સાધનો લગાવવાના રહે છે.