ક્રોનિક કિડની ડિસીઝ સાથે જન્મેલી ૨૧ વર્ષની અબોલી જરીત ઇચ્છે તો જીવનની ફરિયાદોનું એક લાંબું લિસ્ટ આપી શકે તેમ છે, પણ એના બદલે આ યુવતી જીવનને ભરપૂર માણી રહી છે. ૨૧ વર્ષની અબોલી એક મૉડલ અને સિંગર છે જે પોતાના આત્મવિશ્વાસને લીધે અન્યો માટે પ્રેરણા બની છે. અબોલી બ્લૅડર (મૂત્રાશય) વિના જન્મી છે. તેની એક કિડની ડૅમેજ્ડ છે અને બીજી કિડની કદમાં નાની છે.
૩ મહિનાની ઉંમરે તેણે યુરિન પાસ થઈ શકે એ માટે એક કિડનીની બન્ને બાજુ છિદ્ર કરાવ્યું હતું. અહીંથી સતત લીકેજ થવાને કારણે તેને ડાયપર પહેરી રાખવું પડે છે. આ કન્ડિશનમાં તેનાં હાડકાંનો વિકાસ ન થવાને પરિણામે તેનું કદ ૩ ફીટ અને ૪ ઇંચ છે.
અબોલી અનેક પડકારોનો સામનો કરી રહી છે, પણ એક સિંગર બનવાનું સપનું પૂરું કરવામાં તે કોઈ કચાશ રાખવા માગતી નથી. તે એક વ્હીલચૅર-મૉડલ પણ છે. અબોલીનો આખી દુનિયાને સંદેશ છે કે ‘આપણને જીવન માત્ર એક જ વાર મળે છે, તેથી હંમેશાં આનંદમાં જીવવું જોઈએ. સુખ અને દુઃખ જીવનનો એક ભાગ છે અને વ્યક્તિએ ગભરાવું ન જોઈએ.’