ઝારખંડમાં ચાર નરાધમોએ સેનાના જવાનની પત્નીને હવસનો શિકાર બનાવી છે. એક આરોપી પહેલાથી જ પીડિતાના ઘરમાં છુપાયેલો હતો. રાત્રે જવાનની પત્ની પોતાના બે નાના- નાના બાળકો સાથે સૂતી હતી. ત્યારે અચાનક 12 વાગે તેણે ચારેય યુવકોને રૂમમાં જોયા. આરોપીઓએ પીડિતાના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેઓએ કહ્યું કે, થોડા દિવસ પહેલા તમારી બહેન પણ અહીં આવી હતી.
અમે લોકો ઈચ્છતા હતા કે, તેની સાથે પણ આવું જ કર્યું હોત તો, પરંતુ અમારે તમારી સાથે હિસાબ ચુકતે કરવાનો હતો. એ પછી યુવકોએ પીડિતા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના નમકુમ વિસ્તારની છે. પીડિતાનો પતિ હાલમાં લદ્દાખમાં તહેનાત છે. પોલીસે ગુનો નોંધી ચાર યુવકોને કસ્ટડીમાં લીધા છે.
પીડિતા કોકરમાં ભાડાના મકાનમાં રહે છે, પરંતુ છેલ્લા 10 દિવસથી ખારસીદાગમાં રહીને મકાન બનાવી રહી છે. સોમવારે રાત્રે 8 વાગ્યે તે પાણી લેવા બહાર ગઈ ત્યારે એક યુવક તેના ઘરમાં આવીને સંતાઈ ગયો હતો. રાત્રે જમ્યા બાદ પીડિતા દરવાજો બંધ કરીને સૂઈ ગઈ હતી. ત્યારે રાત્રે 12 વાગે અચાનક ઘરનો દરવાજો ખુલતાં તે જાગી ગઈ હતી, ત્યારે તેણે રૂમમાં ચાર યુવકોને જોયા. ચારેય યુવકોએ ત્રણ મહિનાની દિકરી અને છ વર્ષના પુત્રને મારી નાખવાની ધમકી આપી મહિલા પર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. સવારે યુવકોએ મહિલાનો મોબાઈલ તોડી નાખ્યો હતો અને તેને ધમકી આપીને ભાગી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે પીડિતાએ જ્યારે જમીન ખરીદી તે પછી ત્યા બોરિંગ કામ કરાવવા અને મકાન બાંધકામ કરતી વખતે સ્થાનિક યુવકો સાથે ઝઘડો થયો હતો. ત્યારે યુવકોનું કહેવું હતું કે, બોરિંગ અને મકાન બનાવવાનો કોન્ટ્રાક્ટ તેમને આપવામાં આવે કારણ કે તેઓ સ્થાનિક લોકો છે. આ વાત પર ઘણો વિવાદ ચાલ્યો તે પછી અંતે પીડિતાના પતિએ ઘર બનાવવાનો કોન્ટ્રાક્ટ સ્થાનિક યુવકને આપ્યો હતો. પરંતુ બાંધકામ દરમિયાન પિલ્લર વાંકો-ચૂંકો બનાવ્યા બાદ જવાને તેઓની પાસેથી કામ પાછું લઈ અન્ય કોન્ટ્રાક્ટરને મકાન બાંધકામનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
એ પછી યુવકો અને સેનાના જવાન વચ્ચે ઘણો વિવાદ થયો હતો. પીડિતાએ જણાવ્યું, કે રાત્રે બળાત્કાર વખતે તમામ ગુનેગારો ખૂબ ગુસ્સામાં હતા. આરોપીએ તેને કહ્યું કે, થોડા દિવસ પહેલા તારી બહેન અહીં રહેતી હતી. અમે ઈચ્છતા હતા તેના પણ આવી જ હાલત કરત. પરંતુ અમારે તારી સાથે હિસાબ ચુકતે કરવાનો છે. એટલે અમે તેને છોડી દીધી. પીડિતાએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા તેની નાની બહેન અહીં આ ઘરમાં રહેવા આવી હતી.
ઘટના બાદ સવારે પીડિતાની બહેને તેને ફોન કર્યો હતો, પરંતુ ફોન લાગતો ન હતો. તે પછી તેણે એક પરિચિતને ત્યા જોવા મળવા માટે મોકલ્યા. ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે ગ્રામ્ય એસપી અમિત કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે આરોપીઓની શોધ-ખોળ કરવામાં આવી રહી છે. કેટલાક શકમંદોની અટકાયત કરવામાં આવી છે.