ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે. અનેક ઠેકાણે પારો 49 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે. બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર, બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે. પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આ રાજ્યને 5 દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે.આ ઉપરાંત ગુજરાત માટે પણ એક ચોંકાવનારા સમાચાર છે.
ચક્રવાતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યું છે. પશ્ચિમ બંગાળમાં રેમલના કારણે 6 જેટલા લોકોના જીવ ગયા છે. તેલંગણાના અનેક વિસ્તારોમાં રવિવારે રાતેઆવેલા તેજ આંધી તોફાન તથા ભારે વરસાદના પગલે 13 લોકોના મોત થઈ ગયા. રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદે કહેર મચાવ્યો. બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેમલના પહોંચ્યા બાદ ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા. જ્યારે લાખો લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર થયા. રેમલના પ્રભાવને જોતા અસમના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પૂર્વાનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરાયો છે.
રેમલને લઈને બિહારને પણ સાવધાન કરાયું છે. જેના કારણે બંગાળ અને બિહાર વચ્ચેની વિમાન સેવા પ્રભાવિત થઈ છે. એવું કહેવાય છેકે બિહારમાં સોમવારથી આગામી 5 દિવસ સુધી આ સાઈક્લોનની અસર જોવા મળશે. આ અંગે ભારતના હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીથી ઉઠેલા આ તોફા રેમલનું સમુદ્રી કાઠા વિસ્તારોમાં લેન્ડફોલ થયું છે. પરંતુ પશ્ચિમ બંગાળ બાદ હવે તેની અસર બિહારમાં પણ જોવા મળશે.
આઈએમડી પટણાના વૈજ્ઞાનિક કુણાલ કૌશિક મેટેના જણાવ્યાં મુજબ સોમવારથી ખતરનાક ચક્રવાતી તોફાન રેમલથી બિહારના પૂર્વી વિસ્તારો પ્રભાવિત રહેશે. જો કે બિહારમાં તેની મિક્સ અસર જોવા મળશે પરંતુ પૂર્વ ભાગના જિલ્લાઓમાં વાદળનો ગડગડાટ અને આંધી સાથે સામાન્યથી થોડો વધુ વરસાદ પડે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખતા હવામાન ખાતાએ બિહારના સુપૌલ, અરરિયા, કિશનગંજ, અને કટિહારમાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
મિઝોરમની રાજધાની આઈઝોલમાં આજે થયેલા ભૂસ્ખલનોમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. જેમાં એક પથ્થરની ખાણ ધસી પડવાથી થયેલા 11 મોત સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ રેમલ વાવાઝોડા બાદ થયેલા ભારે વરસાદથી આ ભૂસ્ખલન થયા છે.
હવામાન વિભાગનું માનવું છે કે આગામી 5 થી 6 દિવસ સુધી બિહારના હવામાન પર આ તોફાનની અસર જોવા મળશે. આ દરમિયાન અનેક જિલ્લાઓમાં મધ્યમ અને કેટલીક જગ્યાઓ પર સામાન્ય સ્તરથી વધુ વરસાદ પડવા ઉપરાંત 130થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવી પણ આશંકા છે. આઈએમડી મુજબ એકબાજુ જ્યાં તોફાનના કારણે ઉત્તર બિહારમાં ભારે આંધી તોફાન જોવા મળશે ત્યાં બીજી બાજુ દક્ષિણ બિહારમાં હવામાન ખુશનુમા રહેશે. જો કે હવામાન ખાતાના વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ નબળું પડી ચૂકેલું વાવાઝોડું રેમલ હવે વધુ નુકસાન કરે તેવી શક્યતા નથી. પરંતુ બંગાળની ખાડીમાંથી નીકળેલી ભેજવાળી હવાની અસર બિહારમાં પણ જોવા મળશે. રેમલની અસરને જોતા બંગાળ અને ઝારખંડની વિમાન સેવા પ્રભાવિત થઈ છે. હવામાન ખાતાએ પૂર્વ બિહારના લોકોને ખાસ સતર્ક રહેવા કહ્યું છે.
હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ દેશના અન્ય ભાગોની વાત કરીએ તો અસમ અને મેઘાલયમાં 28મી મેના રોજ અતિભારે અને 29 મેથી 1 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશમાં પણ આજે અને આવતી કાલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમમાં પણ આજે આને આવતી કાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા માટે 29મી મેના રોજ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અરુણાચલ પ્રદેશ માટે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.
બીજી બાજુ છત્તીસગઢ, બિહારના અલગ અલગ સ્થળો, પશ્ચિમ રાજસ્થાનના મોટાભાગના સ્થળો, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ, પૂર્વ રાજસ્થાનના અનેક ભાગો, ઉત્તર પ્રદેશના અનેક ભાગો, મધ્ય પ્રદેશ, વિદર્ભના અલગ અલગ ભાગોમાં 28મી મેના રોજ હિટવેવથી લઈને ગંભીર હિટવેવની સ્થિતિની શક્યતા છે. 30મી મેના રોજ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢના કેટલાક ભાગોમાં ગંભીર હિટવેવની સ્થિતિ જોવા મળી શકે છે.
ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતા દ્વારા આજે આગાહી કરાઈ છે કે આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા લોકોને મળશે રાહત. બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. હાલ ગરમીને લઇ કોઈ અલર્ટ નહી. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આજે અમદાવાદમાં તાપમાન 45.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાનમાં નોંધાયું. હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે. 25 – 30 km ની ઝડપે પવન ફંકાશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દરિયામાં ડીપ સ્ટીપ પ્રેસર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે. દરિયા માટે હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યો. આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થશે.