રાજકોટના ગેમઝોનમાં આગની દૂર્ઘટના બાદ ગાંધીનગરમાં મહાનગરપાલિકા અને ફાયર તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરમાં ચાલતી ફાયર એનઓસી વિનાની ઇમારતો, રેસ્ટોરન્ટ, સ્કૂલ અને હોસ્પિટલો સહિતની બિલ્ડીંગમાં ચકાસણી શરૂ કરવામાં આવી છે. શુક્રવારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ ચકાસણી કરવામાં આવ્યા બાદ બે સ્કૂલ ઉપરાંત રેસ્ટોરન્ટ, શોપીંગ મોલ, બિલ્ડીંગના બેઝમેન્ટને સીલ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાં હોક્કો રેસ્ટોરન્ટ, ઓશીયા સુપરમાર્ટ અને વિશાલ શોપીંગ મોલ જેવા સ્થળોનો પણ સમાવેશ થાય છે.
ગાંધીનગરમાં ફાયર એનઓસી વિનાની ઇમારતોની સંખ્યા ઘણી વધારે છે. અત્યારસુધી આ તમામ બિલ્ડીંગ અને તેમાં ચાલતા એકમોને ફાયર તંત્રએ રહેમનજર હેઠળ ચાલવા દીધા છે. ફાયર એનઓસી વિનાના એકમો ઘણા મોટા પ્રમાણમાં છે. જેથી વ્યાપક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર એનઓસી વિનાની 4 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી હતી. 67 જેટલી પ્રિ સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધાના અભાવના પગલે બંધ કરાવ્યા બાદ શુક્રવારે રેસ્ટોરન્ટ, કોમર્શિયલ એકમો અને સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર એનઓસી વિનાની સેક્ટર-28ની વસંતકુંવરબા સ્કૂલ- નવગુજરાત કોલેજના બિલ્ડીંગને સીલ કરવામાં આવ્યું છે જ્યારે આગની ઘટના બન્યા બાદ એનઓસી નહીં હોવાનું જણાતા અંબાપુરની દિલ્હી પબ્લિક સ્કૂલને સીલ કરવામાં આવી છે. જ્યારે ત્રણ સ્કૂલોમાં ફાયર એનઓસીની મુદ્દત પુરી થઇ ગઇ હોવાનું જણાતા તેને નોટીસ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં મહાનગરપાલિકા અને તેના આસ પાસના વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, સ્કુલ,પેટ્રોલ પંપ,સી.એન.જી.પંપ,હાઈરાઇઝ રહેણાંક અને વાણિજય બિલ્ડીંગ, કલાસીસ, લાઈબ્રેરી જેવી ઈમારતોમાં કુલ 58 મોકડ્રીલ અને 242 તાલીમ આપવામાં આવી છે.
ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલ, હોસ્પિટલ, લાયબ્રેરી, રેસીડેન્સ- કોમર્શિયલ બિલ્ડિંગ, મોલ, મલ્ટીપ્લેક્સ અને ધાર્મિક સંસ્થાઓ મળીને કુલ 686 બિલ્ડિંગમાં તપાસ હાથ ધરી હતી. તે પૈકી 5 કોમર્શિયલ બિલ્ડિંગ, એક હોસ્ટેલ, ત્રણ રહેણાંક સાથેની કોમર્શિયલ બિલ્ડીંગ, 4 સ્કૂલ અને 4 હોસ્પિટલ મળીને કુલ 18 બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવી છે.
આ એકમો પર મનપાએ કરી કાર્યવાહી…
ધ હોક્કો કીચન, સરગાસણ
કેપિટલ આઇકોન-2 બેઝમેન્ટ ગોડાઉન, સરગાસણ
વિશાલ સુપર માર્કેટ, અપના બજાર, સેક્ટર-6
ઓશિયા હાઇપર માર્ટ, સેક્ટર-21
રજવાડી ભોજનાલય, સેક્ટર-16
વસંતકુંવરબા સ્કૂલ- નવગુજરાત કોલેજ, સેક્ટર-28
દિલ્હી પબ્લિક સ્કૂલ, અંબાપુર