માણસા તાલુકાના ગુલાબપુરા ગામ ડમ્પીંગ સાઈટ નજીક બ્રેઝા ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી બુલેટને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જાતાં બુલેટ સવાર ત્રણ મિત્રો પૈકી એકનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું. જ્યારે બે મિત્રોને શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ હતી. આ અંગે માણસા પોલીસે ગાડી મૂકીને નાસી ગયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માણસા તાલુકાના બોરૂ ગામમાં રહેતો 26 વર્ષીય યોગેશ બળદેવભાઇ સેનમા અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ગઈકાલ રાત્રીના પોણા આઠેક વાગ્યાના અરસામાં યોગેશ તેના મિત્રો અનિલ કાળાભાઈ સેનમા તથા રણજીત બાબુભાઈ સેનમા સાથે બુલેટ ઉપર બોરૂ ગામેથી માણસા સિવિલ હોસ્પીટલ ખાતે તેના કાકાના દીકરા અંકીત સેનમાની ખબર કાઢવા જઈ રહ્યો હતો.
એ વખતે બુલેટ અનિલ ચલાવતો હતો. જેની પાછળ યોગેશ અને રણજીત બેઠેલા હતા. ત્યારે ગુલાબપુરા ગામથી માણસા જતા રોડ ઉપર આવેલ ડમ્પીંગ સાઇડ નજીક પહોંચતા સામેથી બ્રેઝા ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી બુલેટને સામેથી ટક્કર મારી હતી. જેનાં કારણે ત્રણેય મિત્રો બુલેટ પરથી ઉછળીને રોડ પર પટકાયા હતા.
જેનાં કારણે શરીરે ઈજાઓ થવાથી ત્રણેય મિત્રો અર્ધ બેભાન થઈ ગયા હતા. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. બાદમાં ત્રણેય જણાને 108 એમ્બ્યુલન્સ મારફતે માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી યોગેશ અને રણજીતને ગાંધીનગર સિવિલ વધુ સારવાર અર્થે ટ્રાન્સફર કરાયા હતા. જ્યાંથી રણજીતને સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ શિફ્ટ કરાયો હતો.
બાદમાં ગાંધીનગર સિવિલમાંથી રજા મળતા યોગેશને તેના કુટુંબી ભાઈએ જણાવ્યું હતું કે, ઉપરોકત અકસ્માતમાં અનિલનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું છે. જ્યારે અકસ્માત સ્થળે ગાડી મૂકીને ચાલક નાસી ગયો છે. આ અંગે યોગેશની ફરીયાદના આધારે માણસા પોલીસ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.