૧૯૭૩માં હાલના ઉત્તરાખંડ રાજ્યમાં સ્થાનિક લોકોએ જંગલને બચાવવા માટે ચિપકો આંદોલન કરેલું. પ્રશાસન જંગલ કાપવા માગતું હતું અને ત્યાંના સ્થાનિક લોકો એક-એક ઝાડ સાથે ચિપકી ગયા હતા. પર્યાવરણપ્રેમીઓના ઇતિહાસમાં આ ઘટના અમર થઈ ગઈ છે. ઝાડ માટેનો આવો અમર પ્રેમ ફક્ત જંગલમાં રહેતી વ્યક્તિઓમાં જ મળે એવું નથી. મુંબઈ જેવા મેટ્રો શહેરમાં રહેતી વ્યક્તિમાં પણ હોય.
૨૦૧૬-’૧૭ની વાત છે. ચર્ચગેટમાં જમશેદજી તાતા માર્ગ પર વડનું એક મોટું ઝાડ હતું. ચાર જણ હાથ ભેગા કરીને બાથ ભરે ત્યારે માંડ એનું થડ પકડાય એવું જબ્બર મહાકાય. એને કાપવામાં આવી રહ્યું હતું. આ મુંબઈકરે અઢળક પ્રયત્ન કર્યા કે તે એ કર્મચારીઓને રોકે અને આ વૃક્ષને બચાવી લે, પરંતુ તેઓ માનતા નહોતા ત્યારે ઝાડને બચાવવા આ ભાઈ ઝાડ પર ચડી ગયા. જો આ ૧૯૭૩ હોત અને જંગલ હોત તો ઝાડને બચાવવા ઝાડ પર ચડી ગયેલા ભાઈ ચિપકો આંદોલનની જેમ વખાણાયા હોત પરંતુ ૨૦૧૬ના મુંબઈમાં એ ભાઈને પોલીસે પકડ્યા. પૂછપરછ કરી અને જ્યાં સુધી તેમનું કામ થઈ ન ગયું એટલે કે ઝાડ કપાઈ ન ગયું ત્યાં સુધી તેમને છોડ્યા નહીં. જોકે આ એક ઝાડ પૂરતી સીમિત ઘટના નથી. આ પ્રકારની ઘટનાઓ અંધેરી, વિલે પાર્લે, ફોર્ટ અને આરે એવા જુદા-જુદા વિસ્તારોમાં બનતી જ રહી. એક ઝાડ માટે પોલીસના હાથે પડનાર, નજરબંધ થનાર, હાઈ કોર્ટ જઈ-જઈને સ્ટે લાવનાર આ સંવેદનશીલ પર્યાવરણવિદ એટલે વિલે પાર્લેમાં રહેતા અભય બાવીશી જેમને મુંબઈના પર્યાવરણપ્રેમીઓ અભય આઝાદના નામે ઓળખે છે.
હાલમાં ૪૧ વર્ષના અભય આઝાદનો પર્યાવરણ અને ખાસ તો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ બાળપણથી જ પોષાયો હતો. એ વિશે વાત કરતાં અભયભાઈ કહે છે, ‘મારાં મમ્મીનું પિયર ઘાટકોપર હતું. હું ૮-૧૦ વર્ષનો હોઈશ ત્યારે ત્યાં એલબીએસ માર્ગ પર વિજયનિવાસની વાડી હતી જ્યાં બે મોટાં ઝાડ હતાં. હું મારા ભાઈ સાથે આ ઝાડ પર ચડતો. ખૂબ નાનો હતો ત્યારથી ઝાડ પર ચડતાં મને આવડી ગયું હતું અને અમે પૂરો સમય ઝાડની આસપાસ જ રમતા. આમ, બાળપણથી એક માયા બંધાઈ ગઈ છે. અમે નાના હતા ત્યારે વિલે પાર્લેમાં અમારા ઘર પાસે એક કૉન્વેન્ટ સ્કૂલ હતી જ્યાં વિશાળ નહીં પણ મહાકાય કહી શકાય એવાં બ્રાઝિલિયન રેઇનટ્રી હતાં. એનો છાંયડો એટલો વિશાળ હતો કે એકસાથે ૧૦૦થી પણ વધુ બાળકો એની નીચે સમાઈ શકતાં. આમ, વૃક્ષો સાથેનું મારું કનેક્શન નાનપણનું છે.’
ગોરેગામમાં આરે કૉલોનીનાં જંગલોનાં વૃક્ષોને મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત કાપવાનાં હતાં ત્યારે અમુક પર્યાવરણપ્રેમીઓએ મુંબઈનાં ફેફસાં સમાન આરેને બચાવવા સતત ૩-૪ વર્ષ લડત ચલાવી. પ્રકૃતિને પ્રેમ કરતા અને વૃક્ષોને બચાવી, મુંબઈને બચાવવા માટે પ્રયાસ કરનારા એકસરખી વિચારધારા ધરાવતા ૨૦-૨૫ લોકોની એક ટીમ હતી જેમાં એક મુખ્ય સભ્ય હતા અભય આઝાદ. એ સમયને યાદ કરતાં તેઓ કહે છે, ‘હું તો સામાન્ય સાઇક્લિંગ કરવા આરે ગયેલો. ત્યાં એક આર્ટ ઇન્સ્ટૉલેશન હતું જેમાં ઝાડના થડ પર સફેદ કફન ઓઢાડી એના પર લાલ છાંટા પાડવામાં આવેલા. આ ઇન્સ્ટૉલેશને મારા પર ઘેરો પ્રભાવ પાડ્યો. આરેની લડાઈમાં અમે કુલ ૫૦૦૦થી પણ વધુ વૃક્ષોને બચાવવા લડી રહ્યા હતા, કારણ કે આરેમાં લગભગ ૪૦૦૦ અને સમગ્ર મેટ્રોલાઇન પર આવેલાં બીજાં ૧૦૦૦ વૃક્ષોને બચાવવા અમે દિવસ-રાત એક કર્યાં હતાં. આમાં અમારો કોઈ અંગત સ્વાર્થ નહોતો. અમે બધા નિ:સ્વાર્થપણે મુંબઈનું જ ભલું ઇચ્છતા હતા. આ આખી લડતમાં સોશ્યલ મીડિયા અવેરનેસ અને આરેમાં અંદર થતા પ્રોગ્રામ્સ મેં સંભાળ્યા હતા.’
આરેની લડાઈ ઘણી લાંબી ચાલી હતી છતાં અંતે જે ઝાડ કપાવાનાં હતાં એ તો કપાયાં જ. એ વાત નિરાશા સાથે કરતાં અભય આઝાદ કહે છે, ‘એક તો હું સંવેદનશીલ વ્યક્તિ. એટલે જ પર્યાવરણ અને એને લગતા દરેક જીવ વિશે મને લાગણી. ઝાડ ક્યારેય એકલું કપાતું નથી. એની સાથે એક આખી સૃષ્ટિને એની અસર થાય છે. આટઆટલું સમજાવવા છતાં અમુક લોકો એવા છે જેમના પેટનું પાણી પણ ન હલતું જોઈને ખૂબ નિરાશા જન્મે છે. આટઆટલી લડાઈઓ પછી પણ રિઝલ્ટ વિપરીત જ હોય, ત્યારે હકારાત્મક રહીને કામ કરવું અઘરું પડે છે. આટલાં વર્ષોમાં મારા જીવનમાં પણ એવો પડાવ આવેલો જ્યારે મને થયું હતું કે આ બધું મૂકી દઉં. ઇચ્છિત પરિણામ ન મળે ત્યારે એવા સંજોગોમાં પણ ટકી રહેવું અઘરું તો છે જ, પણ મેં મારા આશાવાદને જાગ્રત રાખ્યો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું પણ યોગદાન જો અમે પર્યાવરણ માટે આપી શકીએ તો એ જીવન સાર્થક છે એમ ગણાશે.’
એક સમય એવો હતો જ્યારે મુંબઈમાં જ્યાં પણ ઝાડ કપાય ત્યાં અભયભાઈ પહોંચી જતા એને બચાવવા. એવો જ એક કિસ્સો યાદ કરતાં તેઓ કહે છે, ‘૨૦૧૮-’૧૯ આસપાસની વાત છે. અંધેરી સ્ટેશન પાસેનો રોડ મોટો કરવામાં આવી રહ્યો હતો. એ સમયે ત્યાંથી લગભગ ૨૦-૨૫ ઝાડ કાપવાનાં હતાં. એની ખબર પડી ત્યારે મેં અને મારા જેવા જ પર્યાવરપ્રેમી ઝોરુ ભાથેના બન્નેએ નક્કી કર્યું કે આટલાં ઝાડની આહુતિ તો નહીં આપવા દઈએ. એટલે અમે એક ઍપ્લિકેશન કરી, ત્યાં માર્કેટના બધા દુકાનદારોની એમાં સાઇન લીધી. સ્ટે લાવીને જ્યાં સુધી આ કામને અટકાવી શકાય ત્યાં સુધી અટકાવ્યું. છેલ્લે BMCના સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટવાળા આવ્યા અને તેમણે ઝાડ હટાવ્યાં, પરંતુ એ જ ઝાડને ફરીથી રોડની બન્ને તરફ પ્લાન્ટ કરવામાં આવ્યાં. પ્રકૃતિ અને ડેવલપમેન્ટ એ બન્ને વચ્ચેનો પણ એક માર્ગ હોઈ શકે છે એ સમજવાની જરૂર છે. વધુ નહીં તો અમે બીજાં ૧૦-૧૫ ઝાડ બચાવી શક્યા એ વાતનો અમને હાશકારો છે. પ્રયત્ન કરીએ તો બધું શક્ય છે એનું આ ઉદાહરણ. ઝાડ કાપવાં પડે એ તો સમજાય, પરંતુ એને જ ફરીથી વાવી શકાય એટલું આપણે ધ્યાન આપીએ તો પણ પ્રકૃતિને નુકસાનથી બચાવી શકીએ.’
હાલમાં અભયભાઈ પુણે યુનિવર્સિટીથી સસ્ટેનેબલ મૅનેજમેન્ટ ઑફ નૅચરલ રિસોર્સિસનો કોર્સ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી અભયભાઈ ઘર અને સોસાયટીઓમાં ગાર્ડન ડેવલપ કરવાનું કામ કરી રહ્યા છે. પોતે સંપૂર્ણપણે એક સસ્ટેનેબલ જીવન જીવે એનો પ્રયત્ન કરી રહ્યા છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હું અને મારી પત્ની ગીતાંજલિએ કપડાં લેવાનું સાવ ઓછું કરી નાખ્યું છે. કાર અમે સમજીને જ નથી રાખી. થોડા સમય પહેલાં હું મનાલીથી લદ્દાખ ૫૦૦ કિલોમીટર સાઇકલ ચલાવીને ગયેલો. ઘણા લોકો એ કરે છે પરંતુ એમાં પોતાનો સામાન કારમાં રાખીને આગળ સાઇકલ ચલાવતા હોય છે. અમે બધો સમાન પણ સાઇકલ પર જ લાદેલો. રસ્તામાં પાણી માટે પણ પ્લાસ્ટિકની બૉટલ લીધી નહોતી. મારે લોકોને એ સંદેશ આપવો હતો કે ટ્રાવેલ પણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરી શકાય છે અને એમ જ કરવું જોઈએ. વૃક્ષો સિવાય મને બિલાડીઓ માટે પણ ખાસ્સો પ્રેમ છે. મારા ઘરમાં અમે ૧૨ બિલાડી પાળી છે.’