પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું છે કે, રાજકોટ ટી.આર.પી. ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા “ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન એકટીવીટીઝ (સેફટી) રૂલ્સ-૨૦૨૪” બનાવવામાં આવ્યા છે. આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ https://home.gujarat.gov.in/Upload/GAMINGZONE(MODELRULES2024FINALDRAFT%20_11062024.pdf પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ નિયમો અંગે કોઈપણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે. જે નાગરિકોએ આ બાબતે વાંધા- સૂચનો હોય તેમને આગામી તા. ૨૫ જૂન, ૨૦૨૪ સુધીમાં ગૃહ વિભાગના મેઈલ આઈડી home@gujarat.gov.in પર મોકલી આપવાના રહેશે. નિયત તારીખ એટલે કે ૨૫ જૂન બાદ મળેલા સૂચનો-વાંધાઓ ધ્યાને લેવાશે નહીં. ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ- ૩૩ હેઠળ પોલીસ કમિશનર તથા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓને આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેઓ આ નિયમને આખરી કરશે તે બાદ તેને પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ મંત્રીશ્રી એ ઉમેર્યુ હતુ.