જુનાગઢમાં એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવી હતી. 10 હજારની લાંચ લેતા બે ઝડપાયાં હતા. 10,000 ની લાંચમાં ખેતી અધિકારી મયંક સિદપરા અને મદદગારી કરનાર ઈસમ કેતન બાલધા ઝડપાયા હતા. બંનેએ બિયારણના સેમ્પલ રિજેક્ટ નહીં કરવા લાંચ લીધી હતી. એ.સી.બી. એ છટકું ગોઠવી બંનેને પકડ્યા હતા.
અન્ય એક બનાવમાં પાલનપુરના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી અને નારી સંરક્ષણ કેન્દ્રની કરાર આધારિત મહિલા મેનેજર લાંચ લેતા ઝડપાયા છે. ACB દ્વારા તેમને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે. પાલનપુર ACBની ટીમે 45,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી નરેશ મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રના કરાર આધારિત મહિલા મેનેજર આશાબેન નાયક લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આરોપીઓએ અરજદારના પતિને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે કરાર આધારિત નોકરી રાખવા માટે ત્રણ મહિનાનો પગાર 45 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ પાલનપુર ACBનો સંપર્ક કરતા ACBની ટીમે બંને આરોપીઓને 45,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી તેમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.