ગાંધીનગરના ગિફ્ટ સિટીની આસપાસના 996 હેક્ટર વિસ્તારને એમાં સમાવીને વિકાસ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને બ્રેક વાગી છે. ભાજપના કેટલાક રાજકારણીઓ તેમજ સરકારના અધિકારીઓએ પોતાનાં કાળાં નાણાંનું ભાગીદારીમાં અહીંની જમીનોમાં મોટે પાયે રોકાણ કર્યું હતું. સરકારે જ્યારે નવા વિસ્તારોને ગિફ્ટ સિટીમાં સમાવી વાંધાસૂચનો મગાવ્યાં ત્યારે આ રાજકારણીઓએ સરકાર પર દબાણ કરીને એફએસઆઇમાં મૂળભૂત ગિફ્ટ સિટીને સમકક્ષ આંતરરાષ્ટ્રીય સ્તરની છૂટછાટ આપવા રજૂઆતો કરી હતી. આ ઉપરાંત આ રાજકારણીઓ પોતાની જમીનો રસ્તા અને અન્ય સુવિધા માટે કપાતમાં આપવા તૈયાર નહોતા.
આ સમગ્ર મુદ્દો છેક કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચ્યો અને આખરે આ નિર્ણય લઈ હવે સરકારે આ જમીન ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ને સોંપી દીધી છે. આ કિસ્સામાં હવે અહીં રોકાણ કરનારા રાજકારણીઓ અને અધિકારીઓના 10 હજાર કરોડથી વધુ રૂપિયા સલવાઇ ગયા છે. હવે અહીં ગિફ્ટ સિટી નહીં, પરંતુ ગુડાના જીડીસીઆર અનુસાર જ મકાનો બની શકશે.
રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ઊંચી
ઇમારતો માટે ચોક્કસ પહોળાઇના રસ્તા હોવા અને અમુક
સ્થળોએ ખુલ્લી જમીનો પર કેટલાક જાહેર પ્રોજેક્ટ્સ
બનાવવા, ટાઉનશિપને અનુસારની સુવિધાઓ માટે 40
ટકાથી વધુ જમીનોમાં કપાત માગી હતી. તેની સામે આ
રાજકારણીઓએ કપાત ઓછી કરવા સાથે મકાનોની
માન્ય ઊંચાઈ વધુ આપવા હઠાગ્રહ રાખ્યો, જેથી તેઓ
ઓછી જમીન પર વધુ સંખ્યામાં રહેણાકના મકાનો બનાવી
મોટો ફાયદો લઈ શકે. આવી મનોવૃત્તિને પારખીને સરકારે
અહીં ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવાનું માંડી વાળ્યું છે. આ
કિસ્સામાં હવે ગિફ્ટ સિટી અગાઉથી નિયત કરાયેલા 359
હેક્ટર વિસ્તારમાં જ વિકસાવવામાં આવશે. અલબત્ત, હજુ
સુધી આ પૈકી 50 ટકા જેટલી જમીનો પર કોઈ વિકાસ થયો
નથી. હાલ સરકારે માત્ર આ વિસ્તારને જ વિકસાવવા પર
ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ગુજરાત સરકારે લીધેલા આ નિર્ણય બાદ નવા સમાવાયેલા ગિફ્ટ સિટી વિસ્તારની જમીનોના ભાવ ધડામ દઈને હેઠા પડ્યા છે. અહીં સ્ક્વેર ફૂટ લેખે જમીનોનો ભાવ પચાસ હજારની આસપાસ ચાલતો હતો, એ સીધો નીચે પટકાઇને અડધો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
સરકારે અગાઉ જાહેર કર્યાં મુજબ ગિફ્ટ સિટીમાં નવા ભળનારા વિસ્તારોની જમીનોની માલિકીની ચકાસણી પણ કરી હતી. એ દરમિયાન જાણવા મળ્યું કે ટૂંકા ગાળામાં જ અહીંની જમીનોમાં ચારથી પાંચ ટ્રાન્ઝેક્શન્સ થઇ ગયાં હતાં. મૂળ ખેડૂતો પાસેથી નીચા ભાવે જમીન ખરીદી ઘણા વચેટિયાઓએ પ્રોફિટ બુકિંગ પણ કરી લીધું હતું, જ્યારે રાજકારણ સાથે સંકળાયેલા લોકોએ પણ અહીંની જમીનો સ્થાનિક નેતાઓની સાથે મળીને મોટા પાયે ખરીદી હતી.
રાજકારણીઓ અને અધિકારીઓએ જમીનોની ધૂમ ખરીદી કરી ત્યાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ બનાવવાની તૈયારીઓ કરી દીધી હતી. જોકે સરકારે નોંધ્યું કે વિસ્તરણને કારણે ગિફ્ટ સિટીનું રૂપાંતરણ માત્ર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ તરીકે થઇ જશે. સરકારે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને ટેક્નોલોજી સિટી તરીકે વિકસાવવા શરૂ કરેલા આ પ્રોજેક્ટની છબિ આ કારણોસર વૈશ્વિક સ્તરે ખરડાય તેવી ચિંતા પેઠી હતી. આ સ્થિતિમાં ફાઇનાન્સ અને ટેક્નોલોજીક્ષેત્રમાં નવાં રોકાણો આવતાં અટકી જાય એવો ડર પણ છે.