ગાંધીનગરના સાંતેજમાં રહેતા સુશિક્ષિત આધેડે ઈન્સ્ટાગ્રામ થકી આવેલ એક વિદેશી કંપનીનો ઈન્વેસ્ટમેન્ટ માટેનાં વિડિયો સાથેની લિંક ઓપન કરતા જ મોબાઇલ નંબર વિદેશી નંબરો વાળા વોટ્સઅપ ગ્રુપમાં એડ થઈ ગયો હતો. બાદમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટનાં મેસેજો જોઈએ આધેડ દ્વારા સ્ટોક માર્કેટમાં તબક્કાવાર રૂ. 1 કરોડ 7 લાખ 76 હજારનું રોકાણ કરાયું હતું. જે પેટે બે કરોડ પ્રોફીટની 30 ટકા રકમ જમા કરાવ્યા પછી જ નફાના રૂપિયા વીડ્રો થઈ શકે એવું કહેવામાં આવ્યું ત્યારે જઈને આધેડને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધવામાં આવી છે.
ગાંધીનગરના સાંતેજ ખાતે રહેતા અને અદાણી શાંતિગ્રામ અંબુજા એ.સી.સી. સિમેન્ટ કંપનીમાં એચ. આર. તરીકે છેલ્લા દોઢ વર્ષથી સુનીલ ગોવર્ધન સિંઘ નોકરી કરે છે. ગત તા. 16 મી ફેબ્રુઆરીએ સાંજના સમયે સુનીલનાં આઈફોન ફોનમાં ઈન્સ્ટાગ્રામની એક નોટીફીકેશન આવ્યું હતું. જે નોટીફીકેશન ઓપન કરી જોતા તેમાં એક વિદેશી કંપનીનો ઈન્વેસ્ટમેન્ટ માટેનો વિડિયો દર્શાવેલ હતો. અને તેની સાથે એક લિંક આવેલ હતી. જેથી સુનીલે લિંક ઉપર ક્લિક કરતાંની સાથે જ તેમનો મોબાઈલ નંબર વિદેશી નંબરો વાળા એક વોટ્સઅપ ગ્રુપમાં એડ થઈ ગયો હતો. જેમાં ઈન્વેસ્ટમેન્ટ બાબતેનાં મેસેજથી માહિતી આપવામાં આવતી હતી. બાદમાં જે લોકો સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા હોય તેમને એક ટેલિગ્રામ ગ્રુપ મારફતે મેસેજ મોકલવામાં આવતા હતા. આથી સુનીલે પણ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા માટે પોતાના બેંકની ડિટેઇલ સહિતના પુરાવા મોકલી આપ્યા હતા.
જે પછી સુનીલનું ટ્રેડિંગનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. બાદમાં એક્સિસ કસ્ટમર સર્વિસ મેનેજર નામની ટેલિગ્રામ ચેનલ થકી મોકલી આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં તેઓ પૈસા જમા કરાવતા હતા. એટલે એ રકમ તેમના ટ્રેડિંગ વાળા એક્સીસ એજન્સી એકાઉન્ટમાં જમા થઈ જતી હતી. જેમાં રોજે-રોજ કયા શેર ખરીદવા, કેટલા સમય માટે રાખવા અને કેટલું રીટર્ન મળશે તે બાબતે । Schraders Capital-VIP85 નામના વોટ્સઅપ ગૃપમાં મેસેજ દ્વારા માહિતી આપવામાં આવતી હતી.
જે આધારે સુનીલે તા. 19/2/2024 થી રોકાણ કરવાની શરૂઆત કરેલ હતી. અને 5 મી માર્ચે 22 હજાર વીડ્રોની રીકવેસ્ટ મોકલી હતી. જે રકમ તેમણે આપેલા એકાઉન્ટ જમા પણ થઈ ગઈ હતી. આથી વિશ્વાસ આવતા સુનીલે 27 માર્ચ સુધીમાં 1 કરોડ 7 લાખ 76 હજારનું રોકાણ કરી દીધું હતું. જે રોકાણની રકમ નફા સાથે તેમના એક્સીસ એજન્સી એકાઉન્ટમાં રૂ. 3.85 કરોડ ડિસ્પ્લે પણ થવા લાગી હતી.
જેથી તેમણે એક્સીસ એજન્સી એકાઉન્ટમાં જમા થયેલ પ્રોફીટ સાથેની રોકાણની રકમ વિડ્રો કરવા માટે વોટ્સઅપ તેમજ ત્રણેય ટેલિગ્રામ ચેનલ ઉપર ચેટીંગ કરી વાતચીત કરી હતી. જેથી રોકાણ ઉપર બે કરોડ પ્રોફીટ થયાનું જણાવી તેના 30 ટકા રકમ જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે જઈને સુનીલને પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થયો હતો. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.