રાજકોટ જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા બે સ્વામિનારાયણના સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 376 (2)(N), 313, 114 સહિતની કલમ હેઠળ શનિવારના રોજ ગુનો નોંધવામાં આવ્યો છે.
રસરા ઘેટીયા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના ધરમસ્વરૂપદાસ સ્વામીએ છેલ્લા ત્રણ વર્ષથી 30 વર્ષીય મહિલા સાથે દુષ્કૃત્ય ગુજારવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યુ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ધરમસ્વરૂપદાસ સ્વામી દ્વારા મહિલાને 25/12/2020 ના રોજ facebookના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ મહિલા દ્વારા એક્સેપ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ ધરમસ્વરૂપદાસ સ્વામી દ્વારા મહિલા સાથે facebook તેમજ whatsappમાં વાતચીત કરવામાં આવતી હતી. બંને વચ્ચે પરિચય થતા મિત્રતા પણ બંધાઈ હતી. ત્યારે 2021ના ફેબ્રુઆરી મહિનામાં સ્વામી દ્વારા મહિલાને મળવા બોલાવવામાં આવી હતી. જેથી મહિલા સ્વામીને મળવા માટે ખીરસરા ગામ ખાતે આવેલા ગુરુકુળ ખાતે ગઈ હતી. જ્યાં તેને લેવા માટે મયુર કાસોદરીયા નામનો વ્યક્તિ આવ્યો હતો.
ગુરુકુળના ગેસ્ટ રૂમમાં મહિલા હાજર હતી ત્યાં સ્વામી પણ પહોંચ્યા હતા. ત્યારે મહિલાને ખોટી હમદર્દી બતાવીને તેવો ભેટી પડ્યા હતા. તો સાથે જ મહિલા ને કિસ કરવાની કોશિશ પણ કરી હતી. જે તે સમયે મહિલા દ્વારા પ્રતિકાર કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી. ત્યારે સ્વામી દ્વારા હું તારી સાથે લગ્ન કરી લઈશ તે પ્રકારની વાતોમાં ફસાવીને ગેસ્ટ રૂમમાં જ લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વામીએ કહ્યું હતું કે હવે હું તારો કાયદેસરનો પતિ કહેવાવ જેથી તારા પર મારો હક છે તેમ કહીને મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.
સ્વામીએ મહિલાને કહ્યું હતું કે, આપણે સમાજમાં કાયદેસર લગ્ન ન કરી શકીએ આપણે સાધુ સાધવી થઈને સાથે રહેવાનું છે. ત્યારબાદ ફરી વખત મહિલા સ્વામીને મળવા માટે ગુરુકુળ ખાતે ગઈ હતી. તેમજ મહિલા પોતાના પરિવારને પણ ગુરુકુળ ખાતે લઈ ગઈ હતી. જ્યાં સ્વામી દ્વારા તેને કંઠી પહેરાવીને દીક્ષા આપવામાં આવી હતી.
હોસ્ટેલના સંચાલક તરીકે મયુર કાસોદરીયા સ્વામીના તમામ રાઝ જાણે છે. તો સાથે જ સ્વામીને તમામ કામમાં તે મદદગારી પણ કરતો હતો. મહિલા જ્યારે હોસ્ટેલના રૂમમાં રોકાય ત્યારે સ્વામી દ્વારા દિવસના તેમજ રાત્રે મળીને કુલ પાંચ વખત મહિલાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ પણ બાંધ્યા હતા. થોડા દિવસમાં જ મહિલાના પિરિયડ મિસ થઈ જતા તેણે સ્વામીને વાત કરી હતી. જેથી સ્વામી દ્વારા મયુર સાથે પ્રેગ્નન્સી કીટ મોકલવામાં આવી હતી. જે કીટના માધ્યમથી ચેક કરવામાં આવતા મહિલા પ્રેગનેટ હોવાનું પણ સામે આવ્યું હતું. સમગ્ર મામલે સ્વામીએ ગર્ભપાત થવા અંગેની દવા પણ મયુર સાથે મોકલવામાં આવી હતી. જે દવા ખાવાના કારણે મહિલાનો ગર્ભ પડી ગયો હતો.
મહિલા ના જણાવ્યા પ્રમાણે સ્વામીએ ભુજ ખાતે સાધવીની ટ્રેનિંગ માટે પણ મોકલી હતી. જે ભુજ ખાતે ટ્રેનિંગ પૂરી કરીને હળવદ ટ્રેનિંગમાં પણ મોકલવામાં આવી હતી. દરમિયાન ટ્રેનિંગ પૂર્ણ કરીને મહિલા ટીંબડી ખાતે પહોંચી હતી. મહિલા અને ધરમસ્વરૂપદાસ વચ્ચે મતભેદ થતાં મોટા સ્વામિ નારાયણ સ્વરૂપદાસ દ્વારા મહિલાને સમજાવવામાં આવી હતી. ધરમસ્વરૂપદાસ સ્વામી, નારાયણસ્વરૂપદાસ સ્વામી તેમજ મયુર કાસોદરીયા ત્રણેય મળીને મહિલાને ધમકાવી હતી કે, જો તું આ વાત કોઈને કરીશ તો અમે તને જોઈ લઈશું સમાજમાં બદનામી કરીને તને જીવવા જેવી નહીં રહેવા દઈએ.
બધું છોડીને મહિલા રાજકોટ ખાતે આવી પહોંચી હતી તેમજ સમગ્ર બનાવવા અંગે તેણે પોતાની માતાને પણ વાતચીત કરી હતી. રાજકોટ આવ્યા બાદ પણ સ્વામી દ્વારા ફોન કોલ કરીને ધમકી આપવામાં આવતી હતી. તો સાથે જ કહેવામાં આવતું હતું કે તું કેસ કરીશ તો તારું કોઈ માનશે નહીં. તેમજ મોટા સ્વામી નારાયણસ્વરૂપદાસ અને મારી બહુ લાગવગ છે. તું મારું કંઈ નહીં કરી શકે અને અમે તને સમાજમાં બદનામ કરી નાખશું તે પ્રકારની ધમકી આપવામાં આવતી હતી.