2007 અને 2008 બેચના 68 જેટલા આઇએએસ અધિકારીઓને કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી અથવા તેના સમકક્ષ હોદ્દા માટે પેનલમાં મૂકવામાં આવ્યા છે.ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે 2008 બેચના 64 અધિકારીઓ અને 2007 બેચના ચાર અધિકારીઓને જોઇન્ટ સેક્રેટરી હોદ્દા પર હોલ્ડ કરવા માટે પેનલમાં મૂકવામાં આવ્યા છે.
આ ઓર્ડરમાં ગુજરાત રાજયના ચાર આઇએએસ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના ચાર આઇએએસ અધિકારીઓને કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે પેનલમાં મૂકવામાં આવ્યા છે. તેઓ 2008 બેચના છે અને હવે તેમને દિલ્હીમાં કામ કરવાની તક મળી છે. અધિકારીઓમાં સુપ્રીતસિંહ ગુલાટી અને તેમની આઇએએસ પત્ની સૈદિંગપુઇ છકછુક, ધવલકુમાર પટેલ અને ઉદિત અગ્રવાલનો સમાવેશ થાય છે. કેન્દ્રીય પોસ્ટિંગ માટે તેમના પ્રસ્થાનથી રાજ્યની આઇએએસ શક્તિમાં વધુ ઘટાડો થશે. 313 ની મંજૂર સંખ્યા સામે, ગુજરાતમાં માત્ર 274 અધિકારીઓ છે, જેમાં 39 જગ્યાઓ ખાલી છે અને આ વર્ષે વધુ નિવૃત્તિની અપેક્ષા છે.