પાવાગઢ ડુંગરની સીડીઓ પર તીર્થંકરની પૌરાણિક મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જૈન સમાજ દ્વારા ભારે વિરોધ નોંધવામાં આવીઓ રહ્યો છે. એક તરફ જૈન સમાજના અગ્રણીઓ એવું કહી રહ્યાં છે કે, અમારી હજારો વર્ષો જૂની મૂર્તિઓને તોડી પાડીને ખંડિત કરી દીધી છે. બીજી તરફ પાવાગઢ મંદિરના ટ્રસ્ટીનું કહેવું છે કે તેમના કહેવાથી જ આ મૂર્તિઓ કાઢવામાં આવી હતીં.બંનેના નિવેદનોમાં જમીન આસમાનનો ફરક જોવા મળી રહ્યો છે.
આ મામલે પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોકભાઈનું નિવેદન સામે આવ્યું છે. આ મૂર્તિઓની તોડફોડ ન કરાઈ હોવાનો મંદિરના ટ્રસ્ટી દાવો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “જૂના મંદિરમાં આવવાના પગથિયાં હતા ત્યાં મૂર્તિઓ હતી. 20 દિવસ પહેલા જયારે કામ ચાલુ કરવાનું હતું ત્યારે જ તે લોકોને જાણ કરી દેવામાં આવી હતી. ઘણા સમય પહેલા જ કીધું હતું કે મૂર્તિઓ જોતી હોય તો લઇ જાવ.”
“જયારે કામ ચાલુ થયું ત્યારે જ પણ કીધું હતું કે, મૂર્તિઓ કઢાવી રાખજો. એ લોકોના કહેવાથી જ મૂર્તિઓ કાઢી હતી. જયારે મૂર્તિઓ કાઢી ત્યારે આ વિષે જાણ પણ કરી હતી કે, મૂર્તિઓ લઇ જાવ પણ તે મૂર્તિઓ લેવા આવ્યા ન હતા. જે ભાઈને કહ્યું હતું તેમણે ઇન્કાર કરી દીધો હતો.”
મંદિરના ટ્રસ્ટીએ ખંડિત મૂર્તિ અંગે વધુમાં જણાવ્યું હતું કે, “એક જ મૂર્તિ ખંડિત થઈ છે. આ જાણી જોઈને કરવામાં આવ્યું નથી. પથ્થર નબળો હોવાથી મૂર્તિ કાઢતા સમયે ખંડિત થઈ છે. આ વિષે મેં કારીગરને પૂછ્યું પણ હતું કે, આ મૂર્તિ કેમ તૂટી ગઈ. તો તેણે કહ્યું કે આ મૂર્તિ નબળી હતી માટે તૂટી ગઈ છે. આ બધી મૂર્તિઓ પુજાતી પણ ન હતી. જો આ મૂર્તિ સ્થાપિત કરવી હશે તો અમે આપી દઈશું.”
જણાવી દઈએ કે, હાલ તો આ મામલે પાવગઢ ખાતે તંત્ર, મંદિર ટ્રસ્ટ અને જૈન આગેવાનો વચ્ચે બેઠક ચાલી રહી છે ત્યારે ટૂંક સમયમાં વિવાદનું નિરાકરણ આવી શકે છે.