ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર-દક્ષિણની વર્ચસ્વની લડાઈના ટલ્લે ચડેલી મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકની પસંદગીના સસ્પેન્સનો અંત આવી ગયો છે. ગઈકાલે મોડી સાંજે શરૂ થયેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં પણ રાત સુધી કોકડું ગૂંચવાતાં સસ્પેન્સ યથાવત્ રહ્યું હતું. ત્યારે આજે મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધો જ મેન્ડેટ મોકલી આપવામાં આવતાં સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરાબેન પટેલની વરણી કરવામાં આવી છે. મીરાબેન પટેલ વોર્ડ નંબર 10નાં કાઉન્સિલર છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકમાંથી આવતા નટવરજી મથુરજી ઠાકોર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની સત્તાવાર નિમણૂક કરી દેવાઈ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના 43 સભ્યો દ્વારા આજે મહિલા મેયર તરીકે વોર્ડ નંબર 10નાં કાઉન્સિલર મીરાબેન પટેલની અને ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકમાંથી આવતા નટવરજી મથુરજી ઠાકોરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. તો સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની નિમણૂક કરાઇ છે.
ગાંધીનગરનાં નવાં મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે ગયા
અઢી વર્ષમાં હિતેશભાઇ મકવાણાએ સારો વિકાસ કર્યો છે.
આગળનાં અઢી વર્ષમાં શહેર અને કોર્પોરેશનમાં ભળેલાં નવાં ગામડાંને પ્રાયોરિટી આપીને સર્વાંગી વિકાસ કરીશું.
નવ નિયુક્ત મેયર મીરાબેન પટેલની વાત કરીએ તો, તેઓ સાત વર્ષ સુધી રાયસણ ગામના સરપંચ તરીકે બિનહરીફ ચુંટાઈને સેવા આપી ચૂક્યા છે. જેમના પતિ મીનેશભાઈ ઉર્ફે યોગેશભાઈ પટેલ પણ રાયસણ ગામના સરપંચ રહી ચૂક્યા છે. ઉપરાંત યોગેશભાઈ જાણીતા બિલ્ડર પણ છે. જયારે મીરાબેનને સંતાનમાં દીકરી પંક્તિ અને દીકરો ધાર્મિક છે. સ્નાતક સુધીનો અભ્યાસ કરનાર મીરાબેનની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો વર્ષ – 2017 થી મહાનગરમાં સમાવેશ થયા સુધી રાયસણ ગામના બિનહરીફ સરપંચ તરીકે રહી ગામના સર્વાંગી વિકાસના કામો કર્યા અને નાનામાં નાની ગલી સુધી રોડ રસ્તાના કામો પૂર્ણ કર્યા છે. ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણીમાં કુલ-11 વોર્ડમાંથી સૌથી વધુ મત વોર્ડ નંબર-10 ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ (દાસ)ને 8637 મત મળ્યા છે. જ્યારે બીજા ક્રમે વોર્ડ નંબર- 10ના ભાજપના ઉમેદવાર મીરાબેન પટેલને 8635 મત મળ્યા છે. એટલે કે બંને કાઉન્સિલર વચ્ચે માત્ર બે મતનો જ તફાવત હતો.
સામાન્ય સભા પૂર્વે સર્વ સંમત નામ નક્કી કરવા માટે શાસક પક્ષ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. કાઉન્સિલરો, અગ્રણી કાર્યકરો અને ધારાસભ્યો સાથે પ્રદેશકક્ષાએ ભાજપના નેતાઓએ સંકલન બેઠકો રાખી હતી અને સેન્સ લેવા પ્રયાસ કર્યો હતો. સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે ભાજપના સભ્યો ચૂપ રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ વખતે નેતાઓએ ખૂલીને પોતાના અભિપ્રાય આપવા માટે સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. જેના કારણે ઉત્તર-દક્ષિણનાં બે જૂથોની વર્ચસ્વની લડાઈમાં મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂકનું કોકડું ગૂંચમાં પડ્યું હતું. આખરે નવા હોદેદારોની નિમણૂકનો મુદ્દો દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો.
ગાંધીનગરને નવા મહિલા મેયર એપ્રિલ મહિનામાં જ મળી જવાના હતા. પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવા મહિલા મેયર મળવામાં બે મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હતો. ગત 10 જૂનના રોજ સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાનાં હતાં. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ વ્યસ્ત હોવાથી નામો નક્કી થઈ શક્યાં ન હતાં અને તેને કારણે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી.
આજે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા
મહિલા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની
નિમણૂક પહેલાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપના પ્રભારી અને
પ્રદેશ પ્રમુખ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી અને તેમાં
નિરીક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી પેનલ અંતર્ગત ચર્ચા
કરવામાં આવી હતી. ત્યારે આજે મળેલી સામાન્ય સભામાં
સંગઠન દ્વારા નવા હોદ્દેદારોની વરણીના નામનું મેન્ડેટ મોકલી
આપી સૌને ચોંકાવી દેવામાં આવ્યા હતા. આમ ગાંધીનગરના
નવા મહિલા મેયર તરીકે વોર્ડ નંબર 10નાં કાઉન્સિલર
મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકમાંથી
આવતા નટવરજી મથુરજી ઠાકોર અને સ્ટેન્ડીંગ કમિટીના
ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની સત્તાવાર નિમણૂક કરી દેવાઈ
છે.
મીરાબેન યોગેશભાઈ પટેલ (મેયર)
નટવરજી મથુરજી ઠાકોર (ડે.મેયર)
ગૌરાંગભાઈ વ્યાસ (સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન)
• સેજલબેન કનુભાઇ પરમાર (દંડક)
• અનિલસિંહ વાઘેલા (પક્ષના નેતા)
સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનાં નામ
• જશપાલસિંહ બિહોલા
• છાયાબેન ત્રિવેદી
• પોપટસિંહ ગોહિલ
• તેજલબેન નાઈ
• શૈલેષભાઈ પટેલ
• શૈલાબેન ત્રિવેદી
• ઉષાબેન ઠાકોર
• કૈલાસબેન સૂતરિયા
• ભરતભાઈ ગોહિલ
• અલ્પાબેન પટેલ
• મીનાબેન સોલંકી