કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે પોતાના લોકસભા મતવિસ્તારમાં રૂ. 36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સુવિધાથી સજ્જ 30 સ્માર્ટ સ્કૂલનું ઈ- લોકાર્પણ કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નારણપુરા અનુપમ સ્કૂલમાં ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રીએ શાળાના બાળકોના વિવિધ પ્રોજેક્ટ નિહાળી તેમની સાથે સંવાદ કર્યો હતો.
લોકસભા ચૂંટણી 2024માં પ્રચંડ જનસમર્થન મેળવીને વિજયી થયા બાદ નવી સરકારમાં કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીનો પદભાર સંભાળ્યા પછી પોતાના સંસદીય મતવિસ્તારના પ્રથમ જાહેર કાર્યક્રમમાં ગરીબ બાળકોના શિક્ષણ માટે સ્માર્ટ સ્કૂલની ભેટ આપવાની મળેલી તકને શ્રી અમિતભાઈએ સૌભાગ્ય- તક ગણાવી હતી.
કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના બાળકો- વિદ્યાર્થીઓ વિશ્વ સમકક્ષ સમયાનુકૂળ શિક્ષણ મેળવી શકે તે માટે નવી શિક્ષણ નીતિ- 2020નો અમલ કરાવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલ સ્કીલ ડેવલપમેન્ટ વોકેશનલ ટ્રેનિંગ એમ્પાવરમેન્ટ બધાના વિનિયોગ સાથે ગરીબ બાળકોને શિક્ષણ સંસ્કારથી સીંચિત કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ 30 સ્માર્ટ સ્કૂલના લોકાર્પણથી 10 હજારથી વધુ સેવાવસ્તીના ગરીબ અને વંચિત સમુદાયના બાળકોને નવી શિક્ષણ નીતિ અનુરૂપ શિક્ષણનો લાભ મળશે. એટલું જ નહીં, ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 69માંથી 59 સ્માર્ટ સ્કૂલો તૈયાર થઈ ગઈ છે અને બાકીની 10 સ્કૂલોનું કામ પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
આમ બધી જ 69 સ્માર્ટ સ્કૂલ દ્વારા 30 હજારથી વધુ સેવાવસ્તી બાળકોને અદ્યતન ટેક્નોલોજી સભર શિક્ષણ મળતું થશે.
અમિતભાઈ શાહે 21મી જૂન વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને વિશ્વ ફલક આપવા સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ 2014માં વિશ્વ યોગ દિવસ ઉજવવાના મૂકેલા પ્રસ્તાવનો બહુધા દેશોએ સ્વીકાર કરીને યોગની સનાતન ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્વીકૃતિ આપી છે.
મન, શરીર, આત્માને જોડીને વ્યક્તિથી સમષ્ટિના વિકાસ માટે યોગનું મહત્વ વડાપ્રધાનએ સૌને સમજાવ્યું છે. ગુજરાત સરકારે યોગ બોર્ડના માધ્યમથી યોગનું જનઆંદોલન ઉપાડ્યું છે, તે માટે પણ તેમણે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે મધ્યમ અને ગરીબ ઘરના બાળકોની પ્રગતિ જોઈને આનંદ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 449 શાળાઓમાં હાલમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને ઊર્દૂ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે.
એની સાથે જ વિવિધ શાળાઓમાં 3D પ્રિન્ટિંગ, અદ્યતન ટેકનોલોજીયુક્ત વિજ્ઞાનના વર્ગખંડ, કમ્પ્યુટર રૂમ, લાઇબ્રેરી, ભારતીય સંસ્કૃતિના તમામ પાસાઓના અભ્યાસને આવરી લઈને સમાવેશ કરવામાં આવ્યો છે. અમિતભાઈ શાહે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા દિવસોમાં આ સ્માર્ટ સ્કૂલ્સ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં મદદરૂપ નીવડશે અને વિકસિત ભારતના નિર્માણ માટેના ભાવિ નાગરિકો આ સ્માર્ટ સ્કૂલમાંથી તૈયાર થશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસની દ્રષ્ટિએ હર હંમેશ પ્રથમ સ્થાને છે અને રહેશે તેવા હું પ્રયત્ન કરતો રહીશ.
ગાંધીનગર મતક્ષેત્રને સર્વશ્રેષ્ઠ મતક્ષેત્ર બનાવવા માટે તેઓ સદાય તત્પર રહેશે તેમ જણાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફરીથી સેવા કરવાનો અવસર આપ્યો તે બદલ અમિતભાઈ શાહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજીવાર દેશનું સુકાન સાંભળ્યું છે. મોદી સરકાર 3.0 દ્વારા સૌપ્રથમ ગરીબ કલ્યાણ લક્ષી નિર્ણય લઈને 3 કરોડ આવાસ નિર્માણની જાહેરાત કરવામાં આવી છે.
ગૃહ મંત્રી અમિતભાઇ શાહે પણ ગરીબ, વંચિત સમુદાયના વિકાસ માટે અભિયાન આદરીને તેમના સંસદીય મત વિસ્તારને રૂ. 36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલા 30 સ્માર્ટ સ્કૂલ ભેટ સ્વરૂપે આપીને વિશ્વ યોગ દિવસે સ્વાસ્થ્ય સાથે શિક્ષણની જ્યોત પણ પોતાના મતક્ષેત્રમાં વધુ વ્યાપકપણે પ્રજ્જવલ્લિત કરી છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વડાપ્રધાનએ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શરૂઆત કરાવી છે. ગુજરાતમાં આ વર્ષનો શાળા પ્રવેશોત્સવ આગામી તારીખ 26 જૂનથી 28 જૂન 2024 દરમિયાન યોજાશે, તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કન્યા કેળવણીને વેગ આપવા રાજ્ય સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અમલી બનાવી છે, તેનો લાભ લેવા તેમણે ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ સરકારી શાળાઓની વાત કરતા જણાવ્યું હતું કે, ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી સરકારી શાળાઓ આપણે બનાવી છે. તેના પરિણામે છેલ્લાં 10 વર્ષમાં અમદાવાદમાં 55,000થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.
આ કાર્યક્રમના પ્રારંભમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને આગળ વધવામાં આ સ્માર્ટ સ્કૂલો મહત્વની ભૂમિકા ભજવશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સંસદ સભ્યો સર્વ હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, મયંકભાઈ નાયક, ધારાસભ્યઓ, ડે. મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, ધર્મેન્દ્રભાઈ શાહ, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન તેમજ કોર્પોરેશનના વિવિધ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.