લગ્ન બાદ દીકરી સાસરે જતી હોય છે અને સાસરું જ તેનું ઘર હોય તેવી એક પરંપરા છે. પરંતુ ભારતમાં એક એવો સમાજ છે જ્યાં દીકરીને નહીં પરંતુ દીકરાને સાસરે વાળવવામાં આવે છે. તમને નવાઇ લાગશે પરંતુ વાત એકદમ સાચી છે!
આ સમાજ છે નનગુડી વેલાલર, જે તામિલનાડુના તૂતીકોરિન જિલ્લાનાં ગામોમાં વસવાટ કરે છે. આ સમાજના લોકો જિલ્લાના શિવલાગી, સેકરકુડી, પુદુર, થલાવેપુરમ, પોટ્ટલુરાની, નિથંથનેંડલ, કૂડટુનકાડુ, સેટ્ટિયુરાની અને પ્રદીરારેટ્ટીપટ્ટી સહિત 16 ગામમાં રહે છે.
આ સમાજમાં લગ્નના રિતીરિવાજ બીજા સમાજની જેમ જ છે પરંતુ લગ્ન બાદ વર સાસરાંમાં આવે છે અને ઘર જમાઇ તરીકે રહે છે.
નવાઈની વાત એ છે કે નનગુડી વેલાલર સમાજના ગામ ‘ઘર જમાઈ’ના ગામ તરીકે પણ ઓળખાય છે.
નનગુડી સમાજ એ વેલાલર સમાજનો એક જ ભાગ છે. આ સમાજના લોકો તામિલનાડુના તૂતીકોરિન અને તિરુનેલવેલી જિલ્લામાં મોટી વસતી છે.
નનગુડી સમાજમાં મહિલાઓ પાસે પુરુષો જેટલાં જ અધિકારો હોય છે. સમાજ દાવો કરે છે કે સરકારે મહિલાઓને મિલકતના હક્કો આપ્યાં તેના કરતાં બહુ પહેલાથી નનગુડી મહિલાઓ પાસે આ પ્રકારના અધિકાર છે.
સમાજમાં છોકરા અને છોકરીને સમાન રીતે ઉછેર કરવામાં આવે છે પરંતુ દીકરીને વધુ મહત્ત્વ આપવામાં આવે છે કારણકે તે જીવનભર પોતાનાં માતાંપિતા સાથે રહે છે.
સમાજના નિયમ અનુસાર લગ્ન કર્યા બાદ વર સાસરે આવે છે અને ઘરજમાઈ બનીને આજીવન ત્યાં જ રહે છે. વર પોતાની પત્નીના પરિવાર સાથે જ રહે છે. દીકરીનાં માતાંપિતા જમાઈને પોતાના પુત્ર તરીકે સ્વીકારે છે. આ સમાજમાં દીકરી તેનાં માતાંપિતા સાથે જ રહે છે અને તેમની સારસંભાળ રાખે છે.
આ સમાજમાં લગ્નની વિધીમાં પણ વિવિધતા જોવા મળે છે. સામાન્યતઃ વરના પરિવારજનો છોકરીના ઘરે જઇને લગ્નનો પ્રસ્તાવ મૂકતા હોય છે. નનગુડી સમાજમાં આ પ્રથા છોકરીના પરિવારજનો કરે છે. તેઓ છોકરાના ઘરની મુલાકાત લે છે અને લગ્ન નક્કી કરે છે. અહીં લગ્ન માટેની સાડી અને મંગળસૂત્ર પણ છોકરીના પરિવાર દ્વારા ખરીદવામાં આવે છે. લગ્ન માટેની બીજી મુખ્ય વિધીઓ પણ તેઓ જ કરે છે. લગ્નના દિવસે જાન નિકળે છે જેમાં વરને હાથી પર બેસાડીને મંડપ સુધી લઇ જવામાં આવે છે.
નનગુડી વેલાલર સમાજનાં વડીલ મહિલા મુથ્થામ્મા કહે છે કે અન્ય સમાજના લોકોને જ્યારે અમારા સામાજિક રિવાજો વિશે ખબર પડે છે ત્યારે તેઓ અચંભિત થઈ જાય છે.
તેઓ કહે છે કે, ”અમારી આ પ્રથા સદીઓથી ચાલી આવી છે. અમારા સમાજમાં મહિલાઓને મિલકતના હક એક પેઢીથી બીજી પેઢી સુધી જાય છે. અમારા સમાજમાં લગ્નવિધી અલગ છે. અહીં વર પહેલાં બીજા ઘરમાં જાય છે અને ત્યારબાદ જમાઈ તરીકે પત્નીના ઘરે આવે છે.”
”બાળકના જન્મ વખતે અમે મોઢામાંથી અવાજ કાઢીએ છીએ. જો અવાજ મોટો હોય તો સમજવું કે દીકરી જન્મી છે અને જો અવાજ ધીમો હોય તો સમજવું કે દીકરો જન્મયો છે.”
તેઓ વધુમાં જણાવે છે કે નનગુડી વેલાલર સમાજમાં દરેક પરિવારની ઇચ્છા હોય છે કે દીકરીનો જન્મ થાય કારણકે દીકરી આજીવન પોતાનાં માતાંપિતા સાથે જ રહેશે. આ જ કારણ છે કે દીકરા કરતાં દીકરીના જન્મની વધારે જોરથી ઉજવણી કરવામાં આવે છે.
”અમારા સમાજમાં આઠ પેટા જાતિઓ છે. એક જ જાતિમાં લગ્ન થતાં નથી. અમે અમારાં સંતાનોના લગ્ન બીજી જાતિમાં કરીએ છીએ.”
શિક્ષક તરીકે નોકરી કરતા મણિકમ કહે છે કે ઘરજમાઈ હોવાના કારણે પુરૂષો પાસે એટલી સ્વતંત્રતા હોતી નથી. મણિકમ 48 વર્ષના છે અને 28 વર્ષ પહેલાં તેમના લગ્ન થયા હતા.
તેઓ કહે છે કે, ”મારા ગામમાં રહેતો દરેક પુરુષ ઘરજમાઈ છે. મારા પૂર્વજોએ આ પ્રથા સ્વીકારી અને બની શકે કે આ તેમના માટે સારું હતું. પરંતુ મને શરૂઆતમાં બહુ તકલીફ પડી હતી. મને એવું લાગતું હતું કે મારી સ્વતંત્રતા હણી લેવામાં આવી છે.”
”તેની પાછળનું કારણ છે કે ઘરમાં દરેક મહત્ત્વનાં નિર્ણયો મારા સસરા લે છે. મને લાંબા સમય સુધી ઘરજમાઈ તરીકે રહેવામાં તકલીફ થઈ હતી પરંતુ હવે મને આવી અનુભૂતિ થતી નથી. મારી દીકરીનાં પણ લગ્ન થવાના છે અને લગ્ન બાદ આજીવન તે મારી સાથે રહેશે. એટલે ઘરજમાઈની પ્રથા મને હવે સારી લાગે છે.”
નનગુડી વેલાલર સમાજના સુબ્બાયાહના હાલમાં લગ્ન થયા છે. તેઓ કહે છે કે, ”જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા પુરુષ મિત્રો મારી મજાક ઉડાવતા હતા અને સ્ત્રી મિત્રો મારી પત્નીથી ઇર્ષ્યા કરતાં હતાં.”
”શરૂઆતમાં હું જ્યારે મારા લગ્ન અને ગામની પરંપરા વિશે વાત કરતો હતો ત્યારે પુરુષ મિત્રો મને ચીઢવતાં હતા પણ આજે તેઓ મારી જીવનશૈલી જોઈને વિચાર કરતા થઈ જાય છે. મારી સ્ત્રી મિત્રો કહેતાં કે, કાશ અમારો જન્મ તારા સમાજમાં થયો હોત તો કેટલું સારું હોત. લગ્ન બાદ છોકરીઓને ઘર છોડીને સાસરે જવું પડે છે અને પોતાની સ્વતંત્રતા પણ ગુમાવવી પડે છે.”
”મારા દાદા અને પિતા બાદ હું ત્રીજી પેઢીની વ્યક્તિ છું જેણે આ પ્રકારે લગ્ન કર્યા હોય. અમારી પરંપરા અમારી ઓળખ છે. આ પરંપરાના કારણે અમારા જીવનમાં ખુશી અને સન્માન બંને છે.”