કલોલના ડીંગુચાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા વૃદ્ધના દીકરો છેલ્લા બે દાયકાથી અમેરીકામાં રહે છે. વૃદ્ધનો પરિવાર વિદેશમાં સ્થાયી થયેલો છે. ત્યારે અમેરીકામાં રહેતા આધેડએ પેથાપુરમાં જમીન ખરીદી હતી. જમીનમાં કેટલાક લોકો આંટાફેરા મારતા હોવાની ટેલીફોનથી માહિતી આપવામાં આવી હતી. જેથી વૃદ્ધ અમેરીકાથી ગાંધીનગર આવ્યા હતા અને તપાસ કરતા તેમના બનાવટી ડોક્યુમેન્ટના આધારે જમીન ઘસી નાખવામાં આવી હોવાનંુ સામે આવ્યું હતંુ. જેથી જમીન ખરીદનાર સહિત 3 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ શંકરલાલ ઉર્ફે શંકરભાઇ પ્રભુદાસ પટેલ (હાલ રહે, રાણીપ, અમદાવાદ. મૂળ, ડીંગુચા, કલોલ) નિવૃત જીવન પસાર કરી રહ્યા છે. તેમનો પરિવાર અમેરીકામાં સ્થાયી થયેલો છે. તેમના મોટા દિકરા આશરે 52 વર્ષિય શૈલેષભાઇ છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં વસવાટ કરે છે અને ગેસ સ્ટેશન ધરાવે છે. શૈલેષભાઇએ પેથાપુર ગામની સીમમાં આવેલી સર્વે નંબર 2042-1 વાળી જમીન વર્ષ 2010માં ખેડૂતો પાસેથી ખરીદી હતી. ત્યારથી સરકારી ચોપડે તેમનુ નામ ચાલી રહ્યુ છે.
જમીન ઉપર ભૂમાફિયાઓની નજર પડતા અમેરિકામાં રહેતા શૈલેષભાઇના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવટી બનાવી પાટણના ડાભલી લક્ષ્મીપુરામાં રહેતા લક્ષ્મણભાઇ પરસોત્તમભાઇ પટેલ દ્વારા ખરીદવામાં આવી હતી. આ બાબતે શૈલેષભાઇને ખબર પડતા તેમણે ગાંધીનગર કલેક્ટરમાં અરજી કરતા જમીન બનાવટી દસ્તાવેજના આધારે વેચાણ થઇ ગઇ હોવાનુ સામે આવ્યુ હતુ. ત્યારબાદ તેમણે અલગ અલગ જગ્યાએ ન્યાય માટે અરજી કરી હતી. જેની તપાસના અંતે સામે આવ્યુ હતુ કે, લક્ષ્મણભાઇએ વેચાણ દસ્તાવેજની નોંધ પડાવવા અરજી કરી છે. દસ્તાવેજમાં સાક્ષી તરીકે વિજય અમૃતલાલ અજાબિયા (રહે, ઇસનપુર, અમદાવાદ) અને મુકેશ દિનાનાથ ગૌસ્વામી (રહે, વસ્ત્રાલ, અમદાવાદ) હતા. જેથી એનઆરઆઇ શૈલેષભાઇએ 3 લોકો સામે પેથાપુર પોલીસ મથકમાં બનાવટી દસ્તાવેજ બનાવી જમીન ઘસી નાખવાનુ કાવતરુ કરતો ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.