ગાંધીનગરના રણાસણ સર્કલ નજીક રોડ પર આઈસર ટ્રકનાં ચાલકે પોતાની ટ્રક ગફલતભરી રીતે ચલાવી એક બાઈકને અડફેટે લીધી હતી. જેનાં કારણે બાઈક સવાર દંપતી ત્રણ માસની પુત્રી સાથે જમીન પર પટકાયુ હતું. એજ ઘડીએ આઈસર ટ્રકના ટાયર ફરી વળતા પતિની નજર સામે જ પત્ની અને માસૂમ પુત્રીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી આઈસર મૂકીને નાસી ગયેલા ડ્રાઈવરને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના રણાસણ સર્કલ નજીક આઈસર ટ્રકના કારણે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ ટ્રકના ટાયર નીચે ચગદાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મૂળ રાજસ્થાનના ડુંગરપુરનાં વતની રાજુભાઈ શંકરભાઇ રોત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાજુભાઈ તેની પત્ની અને ત્રણ માસની દીકરીને બાઈક પર લઈને અમદાવાદ મજૂરી અર્થે જવા નિકળ્યા હતા. ત્યારે આશરે સાડા ચારેક વાગ્યાના અરસામાં લીંબડીયા કેનાલથી રણાસણ તરફ જતી વેળાએ બાઈકને એક આઇસર ઘસડાઇને નીકળી હતી. જેનાં કારણે રાજુભાઈએ બાઈક પરથી કાબુ ગુમાવી દેતા ત્રણેય જણા રોડની જમણી બાજુએ પટકાયા હતા.
એજ ઘડીએ આઈસર ટ્રકના ચાલકે પોતાની ટ્રક હંકારતા રાજુભાઈની નજર સામે જ પત્ની અને માસૂમ દીકરી પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું અને ગણતરીની સેંકડોમાં માં – દીકરીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં રાજુભાઇને પણ શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા જ આઈસર ટ્રકનો ચાલક ટ્રક સ્થળ પર મૂકીને નાસી ગયો હતો. જ્યારે અકસ્માતના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સમાં ફરજ પરના તબીબી સ્ટાફે માં દીકરીને તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત રાજુભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.