ભારતની સુપ્રિમ કોર્ટની સ્થાપનાકાળને 75 વર્ષ થઇ રહ્યા છે ત્યારે સર્વોચ્ચ અદાલતમાં પેન્ડીંગ કેસોના સમાધાનકારી નિકાલ માટે 29 જુલાઇથી 3જી ઓગસ્ટ દરમ્યાન ખાસ લોકઅદાલત યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના પક્ષકારોના સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ કેસો આ લોકઅદાલતમાં મુકી શકાશે. સુપ્રિમ કોર્ટના કેસોની ખાસ લોકઅદાલત વિશે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ દ્વારા ખાસ આયોજન ગોઠવવામાં આવ્યું છે.
ગુજરાતના કેસો સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ હોય તો સમાધાનથી લોકઅદાલતમાં ઉકેલવાની ગોઠવણ કરવામાં આવી છે. આ લોકઅદાલતમાં પક્ષકારો સીધા અથવા વકીલ મારફત વર્ચ્યુલી જોડાઇ શકશે અને સર્વોચ્ચ અદાલત-હાઇકોર્ટના જજ તથા અનુભવી સીનીયર વકીલો-મધ્યસ્થીઓની મદદથી સમાધાનકારી ઉકેલ મેળવી શકશે.
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસે કરેલી આ પહેલને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હાઇકોર્ટના સીટીંગ જજ ઉપરાંત સુપ્રિમ-હાઇકોર્ટના પૂર્વ જજ વાહન અકસ્માત, લગ્ન તકરાર, કામદાર, જમીન સંપાદન, ચેક બાઉન્સ તથા સીવીલ તથા સીવીલ અને ફોજદારી વિવાદોના સમાધાન કરાવી રહ્યા છે. ચીફ જસ્ટીફ દ્વારા આ સુવિધાનો મહત્તમ લાભ લેવા પક્ષકારોને આહવાન કરવામાં આવ્યું છે.
સુપ્રિમ કોર્ટના કેસો સમાધાનથી ઉકેલવા માટેની આ લોક અદાલત 29 જુલાઇથી 3 ઓગસ્ટ દરમ્યાન યોજાનાર છે જે માટે રાજ્ય જીલ્લા-તાલુકા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરી શકાશે. પક્ષકારોને તકરારનો તાત્કાલીક ઉકેલ મેળવવાનો અવસર આવ્યો છે. લોકઅદાલતમાં પેન્ડીંગ કેસોનો આખરી ઉકેલ થઇ શકશે અને પક્ષકારો ખર્ચમાંથી બચી શકશે. કોર્ટ ફી રીફંડ મેળવી શકશે.