રાજ્યમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રાજ્યના પ્રવાસન સ્થળ સાપુતારામાં મોટી દુર્ઘટના બની છે. સાપુતારા ઘાટ નજીક સુરતની એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી છે. લક્ઝરી બસમાં 70 જેટલાં પ્રવાસીઓ હોવાનું અનુમાન છે. જેમાં બે બાળકોના કરું મોત થયા છે. સાપુતારાથી શામગહાનને સાંકળતા હાઇ વે પર અક્સ્માત સર્જાયો હતો.
જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા હતા. જેમાંથી અંદાજે 2ના મૃત્યુ થયા છે. ત્યારે બીજી તરફ અકસ્માતની જાણ થતાં સાપુતારા પોલીસ અને 108ની ટીમો ઘટના સ્થળે પહોચી છે. જ્યારે દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.
સાપુતારા ઘાટ નજીક મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકતાં JCB અને ક્રેનનની મદદથી લક્ઝરી બસને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બસચાલકે કાબૂ ગુમાવતાં બસ રોડની સાઈડ પરની દીવાલ કૂદી સીધી ખીણમાં ખાબકી હતી.