મહારાષ્ટ્રની અમરાવતી સેન્ટ્રલ જેલની અંદર દેશી બનાવટનો બોમ્બ અથવા બોલની અંદર ફટાકડા ફેંકવાથી જોરદાર વિસ્ફોટ થયો છે. જો કે આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આ ઘટના શનિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસની હોવાનું જાણવા મળી રહ્યું છે. અમરાવતીના સીપી-ડીસીપી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે ટોચના પોલીસ અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ બેરેક નંબર 6 અને 7ની સામે થયો. રાત્રે લગભગ 8.30 વાગ્યે જેલની અંદર ફટાકડા કે બોમ્બ ફૂટવા જેવો જોરદાર અવાજ સંભળાયો. આ ઘટના બાદ જેલ પરિસરમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ જેલના અધિકારીઓ અને અમરાવતી પોલીસ કમિશનર અને ડીસીપી સહિત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા.
ઘટનાની તપાસ માટે તાત્કાલિક ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી. અમરાવતી પોલીસ કમિશનર નવીન ચંદ્ર રેડ્ડીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પડોશી હાઇવેના પુલ ઉપરથી બોલ દ્વારા ફટાકડા અથવા બોમ્બ ફેંકવામાં આવ્યો છે. ફેંકનાર વ્યક્તિ કોણ છે અને તેની પાછળનું કારણ શું છે, હાલમાં આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ કોઈ જાનહાનિ થઈ નથી.