હવામાન વિભાગ દ્વારા 8 જુલાઈથી 14 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે.
રાજ્યમાં ફરી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 8 થી 11 જૂલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ બાદ ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસની જેમ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદી માહોલ જામશે, એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં 8 અને 9 જુલાઈએ અતિભારે વરસાદની શક્યતા છે. ત્રીજા દિવસથી એટલે કે 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પૂરી સંભાવના છે.
રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આજે સાંજે 7 વાગ્યા સુધી 8 જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, કચ્છ, જુનાગઢ, પોરબંદરમાં રેડ એલર્ટ છે.આ 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 15 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવી છે. જેના કારણે અતિભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે અષાઢ સુદ ચોથ પાંચમથી વરસાદની માત્રા વધશે અને વરસાદ પડવાની શક્યતા છે. આગામી તારીખ 9,10 અને 11ના વરસાદ પડી ગયા બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે. હાલ સુધી સિસ્ટમ સક્રિય નહીં થવાનુ કારમ નબળા એમજીઓને અંબાલાલે ગણાવ્યુ છે. તેમના જણાવ્યા મુજબ ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. જેની અસરના ભાગરૂપે જ્યારે 17 થી 24 જૂલાઈ વચ્ચે ફરીથી વરસાદ પડવાની શક્યતા છે.