ગાંધીનગરના ઇન્દ્રોડા ગામ નજીક સ્કોર્પિયોના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકની આંગળીઓ પણ કપાઈને બાઇકનાં હેન્ડલ સાથે કારના બોનેટનાં ભાગે ચોંટી ગઈ હતી. આ અંગે સેકટર – 7 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા દિનેશભાઈ સોમાભાઇ આર્યનની દીકરી હર્ષિકા ગાંધીનગર સેકટર – 3 માં આવેલી ખાનગી હોસ્પિટલમાં ફીઝીયોથેરાપીસ્ટ તરીકે ઇન્ટર્નશીપ કરે છે. આજે દીકરીનું ઇન્ટરવ્યુ હોવાથી દિનેશભાઈ બાઈક લઈને તેને મૂકવા માટે આવ્યા હતા. બાદમાં પરત જતી વખતે ઇન્દ્રોડા ગામ નજીક સ્કોર્પિયો કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતના પગલે બાઈક પરથી ઉછળીને નીચે પટકાયા હતા. જ્યારે તેમની આંગળીઓ બાઈકના હેન્ડલ સાથે કપાઈને કારના બોનેટનાં ભાગે ચોંટી ગઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં દિનેશભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સેકટર – 7 પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. જ્યારે આસપાસમાં લોકો પણ અકસ્માત સ્થળે દોડી ગયા હતા. બનાવની જાણ થતાં મૃતકની દીકરી પણ ત્યાં પહોંચી ગઈ હતી. બાદમાં દિનેશભાઈની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.