ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે અને મંત્રી મંડળનું વિસ્તતરણ ક્યારે થશે તે નક્કી નથી. ત્યારે રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રીને પત્ર લખીને ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને ગુજરાતમાં મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી હતી, સાથે જ ગુજરાતમાં 34 ટકા વસ્તી ધરાવતો સમાજ ઠાકોર સમાજ છે અને દરેક વિધાનસભા સીટમાં 30થી 50 હજાર સુધીનું વોટિંગ હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.તેમજ સમસ્ત કોળી સમાજના નામે વધારે માં વધારે શોષણ માત્ર ચુવાળીયા ઠાકોર સમાજ થતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ચુવાળીયા ઠાકોર સમાજને અન્યાય થતો હોવાનો આરોપ કર્યો હતો. સાથે જ હાલના મંત્રી મંડળમાં એક પણ ઠાકોર સમાજનો મંત્રી નથી, અગાવના મંત્રી મંડળમાં સ્થાન મળતું હતું. હાલ અમને કોઈ પણ પ્રકારનું સ્થાન મળતું નથી, જેથી અન્યાય થઈ હોવાનો આરોપ કર્યો હતો અને તળપદા કોળી સમાજ કરતા વધુ ચુવાળીયા ઠાકોર સમાજનું વોટિંગ હોવાનો દાવો પ્રમુખે કર્યો હતો.
સાથે જ ચુવાળીયા ઠાકોર સમાજમાંથી અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, કેસાજી ચૌહાણ ઠાકોર, દિલીપજી ઠાકોર સહિત નેતામાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી. સાથે જ જસદણ વિધાનસભા અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા સીટ ઉપર જ તળપદા કોળી સમાજનું વોટિંગ હોવાનો પણ દાવો ઠાકોર સમાજના પ્રમુખે કર્યો હતો.
તળપદા કોળી સમાજનું માત્ર 4 થી 6 ટકા જ વોટિંગ હોવાનો જણાવ્યું હતું. ગઈકાલે પણ કોળી સમાજના આગેવાનો દ્વારા પ્રધાનમંત્રીને પત્ર લખીને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી હતી, પરંતુ કુંવરજી બાવળીયાએ આ વાતને પાયા વિહોણી ગણાવી હતી. હવે ઠાકોર સમાજે પણ ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી છે.