કચ્છ સહિત રાજ્યના પોલીસ બેડામાં ચકચાર જગાવનારા કેસમાં સેશન્સ કોર્ટે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ઝાટકો આપ્યો છે. ભચાઉની નીચલી અદાલતે હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં સીઆઈડી ક્રાઇમની પૂર્વ કોન્સ્ટેબલને જામીન આપ્યા હતા, તે જામીન આજે ભચાઉની સેશન્સ અદાલતે ફગાવીને ફરી તેને ધરપકડ કરવા માટેનો નિર્દેશ આપ્યો છે.
ગત અઠવાડિયે ભચાઉ પોલીસ અને એલસીબીની ટીમ 16 ગુનામાં લીસ્ટેડ બુટલેગર નાની ચીરઇના યુવરાજસિંહ જાડેજાને પકડવા માટે નાઈટ પેટ્રોલિગમાં હતી ત્યારે બાતમીના આધારે તેની ગાડીને રોકી ધરપકડ માટેનો પ્રયાસ કરાયો હતો. એ દરમિયાન બુટલેગરે પોલીસ કર્મચારી પર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પીએસઆઇએ સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં ગાડીનો દરવાજો ખોલી આરોપીને બહાર કઢાવ્યો ત્યારે તેની સાથે ડ્રાઇવર સીટની બાજુમા પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી હેડ કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી મળી આવી હતી.
આ ગાડીમાંથી દારૂ બિયર મળી આવ્યા હતા જેથી બુટલેગર અને કોન્સ્ટેબલ સામે હત્યાના પ્રયાસ અને પ્રોહીબિશનનો અલગ અલગ ગુનો દાખલ કરાયો હતો. આ કોન્સ્ટેબલ નીતા ચૌધરી રીલ્સ બનાવવાના કારણે પણ વધારે જાણીતી બની હતી. પોલીસ કર્મચારી હોવા છતાં બુટલેગરને સાથ આપ્યો તેમજ ગાડીમાં શરાબની હેરાફેરી કરી પીએસઆઇ પર ગાડી ચડાવી દેવાઇ તેમ છતાં આરોપી સામેથી પકડાયો નહીં તે સહિતના ગંભીર ગુનામાં સંડોવણી હોવાના કારણે આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
મહિલા પોલીસ કર્મચારીને હત્યાના પ્રયાસના ગુનામાં નીચલી અદાલતે તેના રિમાન્ડની માંગણી ફગાવી દીધા બાદ બીજા દિવસે તેને જામીન આપ્યા હતા જેથી પોલીસ કર્મચારીઓ અને વકીલ આલમમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસ દ્વારા આ જામીન રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી જેની આજે મંગળવારે ભચાઉની સેશન્સ અદાલતમાં સુનાવણી યોજવામાં આવી હતી.
સરકાર પક્ષે એવી દલીલ કરવામાં આવી કે નીતા વશરામ ચૌધરી એક પોલીસ કર્મચારી હોવા છતાં તેણે બુટલેગરને સાથ આપ્યો છે તેમજ થારમાંથી શરાબ મળી આવતા ભૂમિકા પણ શંકાસ્પદ છે ગંભીર ગુનો તેમજ સોસાયટીનું મોરલ ડાઉન થાય તે પ્રમાણનો બનાવ હોવાથી આ કિસ્સામાં ધાક બેસાડતી કાર્યવાહી કરવી જરૂરી બની રહે છે.જેથી સેશન્સ અદાલતે બંને પક્ષની દલીલોને સાંભળીને નીતા વશરામ ચૌધરીના જામીન રદ કર્યા હતા તેમજ પોલીસને લેડી કોન્સ્ટેબલની ધરપકડ કરવા માટે આદેશ આપ્યો હતો જેથી હવે તેની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવશે.