ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સેકટર – 30 સ્થિત ડમ્પીંગ સાઈટમાં રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરોએ કચરાની ગાડીઓની બેટરીઓ ઉપરાંત ઝૂંપડાની બહાર સૂતેલ શ્રમજીવીનાં ખાટલા નીચેથી રૂપિયા અને ચાંદીના દાગીના રાખેલી થેલી મળી કુલ રૂ. 30 હજારની મત્તા ચોરી લેતાં સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર – 30 માં આવેલી ડમ્પીંગ સાઈટમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતા. આ અંગે ગાંધીનગર મહાનગરપાલીકા ખાતે દક્ષિણ ઝોનની ઓફીસમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શંકરભાઈ મહાડીકે ફરીયાદ નોંધાવી છે કે, તેમના અંડરમાં કોર્પોરેશનની કચરાની નવ ગાડીઓ મારફતે કચરો ઉપાડવાની કામગીરી કરાવવામાં આવે છે.
આ ગાડીઓ કામ પુરૂ થયા બાદ સેકટર – 30 ડમ્પીંગ સાઈટ ખાતે મુકવામાં આવે છે. ગઈકાલે દક્ષિણ ઝોનનાં સુપરવાઇઝરે ગ્રુપમાં મેસેજ કરીને જાણ કરેલી કે, ડમ્પીંગ સાઈટ પરની કચરાની ગાડીઓની બેટરીઓ ચોરાઈ ગયેલ છે. આથી મેનેજર શંકરભાઈ ડમ્પીંગ સાઈડ પર દોડી ગયા હતા. ત્યારે માલુમ પડેલ કે, કોઈ ચોર ઇસમ બેટીરીઓના વાયર કોઈ સાધન વડે કાપી અથવા ખોલી અલગ અલગ બે ગાડીઓની બે બેટરીઓ ચોરી ગયા છે.
આ દરમ્યાન સાઈટ પર ઝુંપડમાં રહેતા મજુર અનીલભાઈ રસુલભાઈ કામોળ પણ ત્યાં પહોંચ્યા હતા. અને મેનેજરને જણાવેલ કે, રાત્રીના સમયે ઝૂંપડાની બહાર ખાટલામાં સૂઇ ગયા હતા. ત્યારે સાત હજાર રોકડા, ચાંદીનું મંગલસૂત્ર તેમજ ચાંદીના કડા રાખેલ થેલી પણ ખાટલા નીચેથી ચોરીને તસ્કરો લઈ ગયા છે. આ અંગે મેનેજરની ફરીયાદના આધારે સેકટર – 21 પોલીસે કુલ રૂ. 30 હજારના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.