ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ આવતા જ કોંગ્રેસમાં જાણે પ્રાણ ફૂંકાયા છે. આ દરમિયાન બનાસકાંઠામાં કોંગ્રેસની જીત બાદ બનાસકાંઠાના પાલનપુરમાં સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે શંકર ચૌધરીને સ્વ.ગલબાકાકાનું ઋણ ઉતારવાનું કહેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
શક્તિસિંહ દ્વારા શંકર ચૌધરીને અપીલ કરતા કહ્યું હતું કે, સ્વ. ગલબાકાકાનું ઋણ ઉતારો, ગલબાકાકાના પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચલાવશે. આ મોદીની નહીં મારી ગેરંટી છે. ડેરી કે બેંકની અંદર લડાઈ એક વ્યક્તિના અહંકારની લડાઈ હતી. એક વ્યક્તિના અહંકાર સામે બધું જ હતું. મને આનંદ એ વાતનો છે કે અહંકારને ટક્કર મારીને ગેનીબેનને સાંસદ બનાવ્યા. ત્યારે હવે રેખાબેન ચૌધરીને બનાસડેરીના ચેરપર્સન બનાવવાની વાત કરી શક્તિસિંહ ગોહિલે બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. જ્યારે બીજી તરફ ભાજપે નાસડેરીના આદ્ય સ્થાપક સ્વ. ગલબાકાકાના પૌત્રી રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર રસાકસીનો રંગ જામ્યો હતો અને અંતે આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી અને ભાજપની ગુજરાતમાં ક્લીનસ્વીપની હેટ્રીક અટકાવી.