ટેક્સ ઓથોરીટીઝની બાજ નજર ઇલેક્ટોરલ બોન્ડ ખરીદીને રાજકીય પાર્ટીઓને ફાળો આપનારી કંપનીઓ પર છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકીય પાર્ટીઓને ડોનેશન આપનારી કંપનીઓને ટેક્સ ઓથોરિટી તરફથી નોટિસો મળવા લાગી છે. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ્સને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. એક અહેવાલ મુજબ, કેટલીક કંપનીઓને આ મામલે નોટિસ મળી છે.
આ તે કંપનીઓ છે જેણે ચેરિટીમાં કન્ટ્રીબન્યૂશન માટે ટેક્સ છૂટછાટ માટે ક્લેમ કર્યો હતો. આ અહેવાલ મુજબ, આમાં મોટા ગૃપ્સનો સમાવેશ થાય છે, જેમાંથી કેટલાક પ્રમુખ નામો છે – ઇન્ફોસિસ, એમ્બેસી ગ્રૂપ, મેઘા એન્જિનિયરિંગ, આદિત્ય બિરલા ગ્રૂપ, JSW સ્ટીલ, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, ઇન્ટાસ, ભારતી એરટેલ અને એલેમ્બિક ફાર્મા.
જાન્યુઆરી 2018માં શરૂઆત બાદથી રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ યોજના દ્વારા રૂ. 16,518 કરોડનું દાન મળ્યું હતું. જોકે, 15 ફેબ્રુઆરીના રોજ દેશની સર્વોચ્ચ અદાલતે તેને ગેરબંધારણીય જાહેર કર્યું હતું. જેનાથી કોર્પોરેટ દાતાઓમાં તેમના ફાળા પર ટેક્સની અસરો અંગે ચિંતા વધી હતી. ઇટીના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, તેના જવાબમાં કોર્પોરેટ્સે આગામી બજેટમાં હસ્તક્ષેપ અને સંભવિત રાહતની માંગણી માટે નાણાં મંત્રાલયનો સંપર્ક કર્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ કુલ રૂ. 6,986.5 કરોડના ચૂંટણી બોન્ડ મળ્યા, જેમાંથી 2019-20માં રૂ. 2,555 કરોડ પ્રાપ્ત થયા હતા. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને ઈલેક્શન બોન્ડ દ્વારા રૂ. 1,397 કરોડ મળ્યા, જે બીજેપી પછી સૌથી વધારે છે. કોંગ્રેસને ચૂંટણી બોન્ડ દ્વારા કુલ રૂ. 1,334.35 કરોડ મળ્યા હતા. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) રૂ.1,322 કરોડના બોન્ડ રિડીમ કરીને ચૂંટણી બોન્ડ મેળવનાર ચોથો સૌથી મોટો પક્ષ છે
DMKને ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 656.5 કરોડ મળ્યા, જેમાં લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિનના ફ્યુચર ગેમિંગ તરફથી રૂ. 509 કરોડનો સમાવેશ થાય છે. જ્યારે ચૂંટણી બોન્ડ દ્વારા સમાજવાદી પાર્ટી (SP)ને રૂ. 14.05 કરોડ, અકાલી દળને રૂ. 7.26 કરોડ, અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ને રૂ. 6.05 કરોડ, નેશનલ કોન્ફરન્સને રૂ. 50 લાખ મળ્યા હતા.
બીજુ જનતા દળ (BJD)ને રૂ. 944.5 કરોડ, યુવજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSR કોંગ્રેસ)ને રૂ. 442.8 કરોડ, તેલુગુ દેશમ પાર્ટી (TDP)ને રૂ. 181.35 કરોડના ચૂંટણી બોન્ડ મળ્યા હતા. બહુજન સમાજ પાર્ટી (BSP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) (CPI(M)) અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજોમાં ચૂંટણી બોન્ડ દ્વારા તેમને કંઇ જ મળ્યું નથી.