ઘણા યુવાનો દેવું કરીને પણ વિદેશ જવાની ઘેલછામાં ઠગ ટોળકીના ટ્રેપમાં ફસાય છે અને અંતે તેમને પસ્તાવાનો વારો આવતો હોય છે તેવો એક વધુ કિસ્સો બહાર આવ્યો છે. કેનેડાના પીઆર વીઝા અપાવવાનો વિશ્વાસ આપીને ત્રણ ગઠિયાએ ચાર મિત્ર સાથે રૂ.૧.૬૦ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ છે.
વર્ષ 2021થી 2023 સુધીમાં એજન્ટ અને તેમની ટોળકી ચારેય મિત્રો પાસેથી કેનેડાના વર્ક પરમિટ અને પીઆર વીઝા અપવવાની લાલચ આપતા હતા. આખરે વીઝા રિજેક્ટ થયા છે કેનેડામાં બીજા રાજ્ય માટે વીઝા મૂકવા પડશે તેમ કહીને પણ રૂપિયા પડાવી લેવાયા હતા. બાદમાં પણ વીઝા ન આવતા એજન્ટ મોબાઈલ ફોન અને ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો હતો. આ મામલે યુવકે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઋષિકેશ વિનાયક પુરોહિત (રહે. વડોદરા), બિશ્વદીપ બિનોય દેય (રહે. દેહરાદુન) અને સુજાતા વાધવા (રહે. મણિનગર) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભાઈ છે. ન્યૂ રાણીપમાં શિવાદર્શન સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષીય હાર્દિક પટેલ અને 3 મિત્ર સાથે વડોદરામાં આવેલી વીઝા કન્સલ્ટન્સીના 3 કર્મચારીએ રૂ. ૧.૬૦ કરોડની ઠગાઈ આચરાઈ છે. હાર્દિક પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ૨૦૨૧માં હાર્દિક અને તેમના મિત્રોએ કેનેડામાં પી.આર. વીઝા મેળવીને સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. ગૂગલ પર સર્ચ કરીને વડોદરાના વીઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો. ઋષિકેશ પુરોહિત નામના એજન્ટે એક વ્યક્તિના રૂ. 40 લાખ માગ્યા હતા. જેથી ચારેય મિત્રોએ ટુકડે ટુકડે 2021થી 2023 સુધીમાં રૂ.૧.૬૦ કરોડ ચૂકવી આપ્યા હતા. તેમ છતાંય બહાના બતાવીને એજન્ટ ઋષિકેશ પુરોહિત, બિશ્વદીપ બિનોય દેય તથા સુજાતા વાધવા ત્રણેય મળીને વડોદરાની ઓફિસ બંધ કરીને ઊઠમણું કરી દીધું હતું. હાર્દિક પટેલે આ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
વડોદરાના સુભાનપુરામાં રહેતા ઋષિકેશ વિનાયક પુરોહિત વિરુદ્ધ વડોદરા ક્રાઈમ બ્રાંચમાં નકલી માર્કશીટ બનાવવાના કૌભાંડમાં અગાઉ ધરપકડ થઈ હોવાનું બહાર આવ્યું છે.