લોકસભા બાદ હવે પેટાચૂંટણીમાં પણ ભાજપને ભારે પછડાટ મળી છે. લગભગ 500 વર્ષો બાદ અયોધ્યામાં રામ મંદિર બનાવ્યા બાદ પણ ભાજપને લોકસભાની ચૂંટણીંમાં રામનો સાથ ન મળ્યો તો બીજી બાજુ ગુજરાતમાં પણ શક્તિપીઠ એવા માં અંબાનો સાથ પણ ભાજપને ન મળ્યો અને હવે પેટાચૂંટણીમાં પણ ચારધામમાં વિષ્ણુ ભગવાનના ધામ એવા બદ્રીનાથમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદે ભાજપના લલ્લુ સિંહને હરાવીને અયોધ્યાની બેઠક પર જીત મેળવી હતી, જ્યારે ગુજરાતના બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેને ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા હતા. હાલની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના લખપત સિંહ બુટોલાએ ભાજપના રાજેન્દ્ર સિંહ ભંડારીને હરાવીને બદ્રીનાથ બેઠક કબજે કરી છે.
આપણે વિપક્ષની વાત કરીએ તો વિપક્ષના નેતા રાહુલ ગાંધી જેમને કોંગ્રેસ શિવ ભક્ત ગણાવે છે, તેમણે સંસદમાં ભગવાન શિવનો ફોટો બતાવીને અભય મુદ્રાનો ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યું હતું કે, મહાદેવના હાથમાં જે ત્રિશુલ છે એ હિંસાનું નહીં પણ અહિંસાનું પ્રતિક છે. સાથે જ તેમણે કહ્યું કે અભય મુદ્રા કોંગ્રસનું પ્રતીક છે.તેમણે કહ્યું કે અભય મુદ્રા નિર્ભયતાની નિશાની છે. ખાતરી અને સુરક્ષાની નિશાની છે. જે ભયને દૂર કરે છે. અને હિંદુ ઘર્મ, ઈસ્લામ ઘર્મ, શીખ ઘર્મ, બૌદ્ધ ધર્મ અને અન્ય ભારતીય ઘર્મોમાં દૈવી સુરક્ષા અને આનંદ આપે છે. આપણા બધા મહાપુરુષો અહિંસા અને ભયનો અંત લાવવાની વાત કરી છે. પરંતુ જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ માત્ર હિંસા, દ્વેષ અને અસત્યની વાત કરે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસંહિ એક્સ પર પોસ્ટ કરી છે કે, ભગવાન શિવે સાચા શિવભક્તને આશીર્વાદ આપ્યાં છે. કોંગ્રેસે પેટાચૂંટણીમાં બદ્રીનાથ બેઠક પર જીત મેળવી છે. અયોધ્યામાં શ્રી રામે ભાજપને પાઠ ભણાવ્યો,ગુજરાતમાં મા અંબાએ બનાસકાંઠામાં કોંગ્રેસને આશીર્વાદ આપ્યા. હવે ભગવાન શંકરે બદ્રીનાથમાં કોંગ્રેસને જીત અપાવી છે!
તો ઉત્તરાખંડ કોંગ્રેસ અને ઉત્તરાખંડ વિપક્ષના નેતા યશપાલ આર્યાએ પણ ટ્વીટ કર્યું છે કે, ધર્મ આસ્થા છે, રાજનીતિ નહીં, તો ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રેસિડેન્ટ કરણ મહારાએ પણ ટ્વીટ કરી ભાજપ પર નિશાન સાધ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 3 વખતથી સતત ધારાસભ્ય તરીકે ચૂટાયેલા રાજેન્દ્ર ભંડારીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા, જેના કારણે બદ્રીનાથમાં પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ તરફથી પહેવી વાર ચૂંટણી લડનાર લખપત બુટોલાએ 5 હજારથી વધુના માર્જિનથી જીત મેળવી હતી.
નોંધનીય છે કે, 7 રાજ્યોમાં 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં I.N.D.I.A ગઠબંધનને જોરદાર ઉલટફેર કર્યો છે. 13 બેઠકોમાંથી 10 બેઠકો પર I.N.D.I.A ગઠબંધનને જીત મેળવી છે. જેમાં કોંગ્રેસ 4, TMC 4, AAP અને DMKએ 1-1 બેઠક જીતી છે. તો ભાજપને 2 બેઠકો અને 1 બેઠક પર અપક્ષને જીત મળી છે.