ગુજરાતમાં નવી પેઢીની મોબાઈલની લત છોડાવવા સરકાર અભિયાન શરૂ કરશે. જેમાં 14 વર્ષે ફરીથી રાજ્યવ્યાપી વાંચન શિબિર અભિયાન ચાલશે. વિદ્યાર્થીઓથી લઈને દરેક વયજૂથ માટે સામુહિક વાંચન, પ્રશ્ન સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
તેમજ ગુજરાતમાં મોબાઈલની લતથી દરેક વયજૂથના નાગરિકો અસરગ્રસ્ત છે. નવી પેઢીને મોબાઈલના વળગણમાંથી બહાર લાવવા ગુજરાત સરકાર દ્વારા ‘વાંચે ગુજરાત અભિયાન’ શરૂ થશે.
14 વર્ષ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ જીવનમાં ગુજરાતી ભાષા, વાંચન અને સામાન્ય જ્ઞાન વધે અને સંસ્કાર સિંચણ થાય તેવા ઉદ્દેશ્યથી વાંચે ગુજરાત અભિયાનને શરૂ કરાવ્યુ હતુ. તેની બીજી આવૃતિ આ વર્ષે 15 ઓગસ્ટ આસપાસ રાજ્યભરમાં શરૂ થશે એમ જાણવા મળ્યું છે. ગુજરાતમાં મોબાઈલની લતથી દરેક વયજૂથના નાગરિકો અસરગ્રસ્ત છે. તેની આડઅસરને કારણે સમાજિક વ્યવસ્થાઓ ખોરવાઈ રહી છે. તેની સીધી અસર કાયદો અને વ્યવસ્થા તેમજ સર્વાંગી માનવ વિકાસ ઉપર થઈ રહી છે. સચોટ જાણકારી કે તર્કબદ્ધ માહિતીના અભાવમાં રહેલા સમાજજીવનને વાંચન તરફ ઢાળવા મુખ્ય સચિવના અધ્યક્ષપદે મળતી સેક્રેટરીઓની બેઠકમાં વાંચે ગુજરાત-2.0 અભિયાન અંગે વિચારણા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સહિતની તમામ ભાષાઓમાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ધાર્મિક, સમાજશાસ્ત્ર, સાહિત્યના પુસ્તકોનું સપ્તાહમાં એક વખત સામુહિક વાંચન થાય, એ વાંચન પછી ચર્ચા-વિમર્શ અને સંવાદ રચાય છેવટે પ્રશ્ન સ્પર્ધા યોજાય તેવી રીતે આયોજન કરવાનું વિચારણા હેઠળ છે. જેમાં શાળા, કોલેજોના વિદ્યાર્થીઓથી લઈને દરેક વયજૂથના નાગરિકો અને અધિકારી, પદાધિકારીને પણ આવરી લેવામાં આવશે. ગુજરાત સાહિત્ય અકાદમીએ 20મી ફેબ્રુઆરીને માતૃભાષા દિવસે રાજ્યમાં 151 સ્થળે ‘સર્વત્ર ઉમાશંકર’ કાર્યક્રમ થકી 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ, સારસ્વતો સહિત ભાષાના ચાહકોને સામેલ કર્યા હતા. આથી, શાળા, કોલેજોથી લઈ પુસ્તકાલયો, નોકરી, વેપાર-ધંધા કે સામાજિક સેવા ક્ષેત્રના નાગરિકોને પણ વાંચે ગુજરાત 2.0માં જોડવામાં આવશે.