ગાંધીનગરનાં ભાટ ગામની પરિણીતાને લગ્નના 14 વર્ષ પછી શારીરિક માનસિક ત્રાસ આપી 10 લાખ દહેજની માંગ કરી પતિએ બીજો ઘર સંસાર પણ વસાવી લેતાં સમગ્ર મામલે અડાલજ પોલીસ મથકના ચોપડે પતિ, સસરા અને બે દિયર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના ભાટ ખાતે રહેતી મૂળ રાજસ્થાનની 30 વર્ષીય પરિણીતાના વર્ષ – 2010 માં કોર્ટમાં લગ્ન થયા હતા. બાદમાં પત્નીને સાસરી ભાટ એકાદ મહિનો રાખીને પતિ રાજસ્થાન વતનમાં લઈ ગયો હતો. બાદમાં પ્રથમ ડીલીવરી માટે પતિ ભાટ ખાતે લઈ આવ્યો હતો. જ્યાં પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. જેનાં એકાદ મહિના પછી પતિ પાછો પરિણીતાને રાજસ્થાન મૂકી આવ્યો હતો. જ્યાં સમય જતાં દીકરાનો જન્મ થયો હતો. જો કે બે સંતાનોના જન્મ પછી પણ પતિ તેણીને ભાટ ખાતે રાખતો નહીં. જે બાબતે પરિણીતાના પિતાએ ફરિયાદ કરતા પતિ તેણીને પાછો લઈ આવ્યો હતો. અહીં પતિ પત્ની સંતાનો સાથે સસરાની બાજુમાં ભાડેથી રહેવા લાગ્યા હતા. પરંતુ દંપતી વચ્ચે નાના મોટા ઝગડા થતાં રહેતા હતા. દરમ્યાન પરિણીતાએ સંતાનમાં ત્રીજા પુત્રને જન્મ આપ્યો હતો. જે બાબતે તેણીએ જેતે વખતે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બાદમાં સંતાનોના ભવિષ્યનું વિચારીને સમાધાન કરી લીધું હતું. બાદમાં પતિ સહિતના સાસરિયા પરિણીતાને જાતિ વિશે અપશબ્દો બોલી ત્રાસ શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. અને 10 લાખ દહેજની માંગણી કરી પરિણીતાને તગેડી મૂકી હતી. ત્યારે પરિણીતાને માલુમ પડયું હતું કે પતિએ બીજી પત્ની કરી લીધી છે. જે બાબતે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં આખરે પરિણીતાએ પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.