મેઘરાજાના સાંબેલાધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જાવ. કેમ કે, કાલે બંગાળની ખાડીમાં મજબૂત લો-પ્રેશર સર્જાઈ શકે છે. જ્યારે મંગળવારથી મેઘરાજા રૌદ્રરૂપ ધારણ કરી શકે છે. મંગળવારથી સાર્વત્રિક વરસાદના એંધાણ છે. બીજી બાજુ, લો-પ્રેશરનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ શકે છે.આ તમામ વસ્તુને જોતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. બીજી બાજુ, ગુજરાતમાં 17 જુલાઈ બાદ બેક ટૂ બેક 4 સિસ્ટમની સંભાવના છે. સાથે જ એકાદ દિવસમાં ચોમાસાની ધરી ગુજરાત પર આવી શકે છે.
હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. દક્ષિણ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ટ્રફ લાઈન છે. જ્યારે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ-શોર ટ્રફ સર્જાયો છે. આવામાં દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ સતત વરસાદનું જોર રહી શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે છે.
કાલ સાંજથી ચોમાસાની ધરી ગુજરાત તરફ સરકવાનું શરૂ કરી શકે છે. 16 જુલાઈએ ચોમાસાની ધરી ગુજરાત પર આવી શકે છે.
બંગાળની ખાડીમાં કાલે જ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે. બંગાળની ખાડીનો ટ્રફ તથા ગુજરાતમાં સર્જાનાર 2-3 સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ સંભવ છે.