ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લામાં એક નવા વાયરસે દેખા દીધી છે. આ વાયરસનું નામ ચાંદીપુરા છે અને હાલમાં તેને કારણે 4 બાળકોના મોત થયાં છે જ્યારે 2ની સારવાર ચાલી રહી છે.
સાબરકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયાનું કહેવું છે કે તમામ છ બાળકોના લોહીના નમૂના પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) માં પુષ્ટિ માટે મોકલવામાં આવ્યા છે અને આ ટેસ્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ ચિકિત્સકોએ 10 જુલાઈએ ત્યાં ચાર બાળકોના મૃત્યુ બાદ ચાંદીપુરા વાયરસ અંગે શંકા વ્યક્ત કરી હતી. જે બાદ બાળકોના સેમ્પલ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા હતા. સુતરિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ અન્ય બે બાળકોમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા હતા. તેઓ પણ આ જ વાયરસથી સંક્રમિત હોવાનું જણાય છે. અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા ચાર બાળકોમાંથી એક સાબરકાંઠા જિલ્લાનો અને બે પડોશી અરવલ્લી જિલ્લાના હતા, જ્યારે ચોથું બાળક રાજસ્થાનનું હતું. તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અન્ય બે બાળકો પણ રાજસ્થાનના છે.
આ વાયરસ માખીઓ દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે.
ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.
ચાંદીપુરાના કયા કયા લક્ષણો
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે, અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે.