રાજસ્થાનમાં નકલી ડિગ્રી કેસમાં SOGએ ચિત્તોડગઢની મેવાડ યુનિવર્સિટીમાં આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનના સેકન્ડ ગ્રેડના શિક્ષક પરીક્ષા લેક્ચરર હિન્દી-2022માં પેપર લીક અને ડમી દ્વારા, ટોપર બનેલી છાત્રાની સ્નાતકથી લઈને BEd સુધીની નકલી ડિગ્રીઓ બનાવી દીધી. આરોપી વિદ્યાર્થી બ્રહ્મા કુમારી સાંચોરના ભૂતેશ્વર ગામમાં ઢોર ચરાવવાનું કામ કરતી હતી.તે ક્યારેય કોઈ કોલેજ પણ ગઈ નહોતી.
શંકા જતાં રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશને બ્રહ્મા કુમારીની ડિગ્રી ચકાસવા માટે SOGને પત્ર લખ્યો હતો. SOGની તપાસ મુજબ, સાંચોરની રહેવાસી કમલા નામની અન્ય રેન્ક ધારકે પણ આ જ યુનિવર્સિટીમાંથી 1 લાખ રૂપિયામાં ડિગ્રી ખરીદી હતી. તેણે પણ ક્યારેય કોલેજ તરફ ગઈ પણ નહોતી, પરંતુ ડિગ્રી હોવાનો ઢોંગ કરીને તેણે પેપર લીક ગેંગ દ્વારા લેક્ચરરની પરીક્ષા પાસ કરી હતી. યુનિવર્સિટીના ડીન અને પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી છે.
SOGના ADG VK સિંહના જણાવ્યા અનુસાર, ડીન કૌશલ સિંહે કહ્યું કે, તેમને યાદ નથી કે પાંચ વર્ષમાં કેટલી નકલી ડિગ્રીઓ વહેંચવામાં આવી. જરૂરિયાત મુજબ લાખોમાં ડીગ્રીનો વેપાર થતો હતો. ડીને કહ્યું કે, મેવાડ યુનિવર્સિટીની નકલી ડિગ્રીઓ માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ નોઈડામાં પણ વહેંચવામાં આવી છે. ગુજરાત સહિત અનેક જગ્યાએ યુનિવર્સિટીના લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં SOGએ અત્યાર સુધીમાં બે સરકારી શિક્ષકો સહિત અનેક દલાલોની ધરપકડ કરી છે.
SOGએ નકલી ડિગ્રીઓનું વિતરણ કરવા બદલ OPJS યુનિવર્સિટી, ચુરુના ડિરેક્ટર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. ત્યાં માત્ર સાત શિક્ષકો સહિત કુલ 28 સ્ટાફ છે અને ત્યાં 15થી વધુ અભ્યાસક્રમો ચાલે છે. યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં પ્રોફેસર વિના 708 PHD ડિગ્રી આપી છે.
ADG VK સિંહે કહ્યું કે, યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં 43 હજાર ડિગ્રીઓનું વિતરણ કર્યું છે, જેનું વેરિફિકેશન શક્ય નથી. પરંતુ યુનિવર્સિટીની ડિગ્રી સાથે સરકારી નોકરી મેળવનારાઓની ચકાસણી કરવામાં આવશે.
રાજસ્થાનમાં, જ્યારે PTI ભરતી પરીક્ષા 2022માં નકલી ડિગ્રી સાથે નોકરી મેળવનારા લોકો વિશે મોટા પાયે તપાસ ચાલી રહી હતી, ત્યારે નવી તપાસમાં એકલા PTI ભરતી પરીક્ષા 2018માં નોકરી મેળવનારા 60 લોકોની ડિગ્રીઓ નકલી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, નર્સિંગ ભરતીમાં 83 ઉમેદવારોએ શિલોંગની એક જ નર્સિંગ કોલેજની ડિગ્રી લગાવી છે.
ADG VK સિંહે જણાવ્યું હતું કે, પેપર ઈશ્યુ કરનારી ટોળકી પેપર વેચીને ડમી વિદ્યાર્થીઓ પૂરા પાડે છે અને પાસ થયા પછી નકલી ડિગ્રીની પણ વ્યવસ્થા કરે છે. આ બધા એક ક્રિમિનલ ગેંગની જેમ આવું બધું કરવા માટે કોન્ટ્રાક્ટ લે છે. આ ટોળકી ગામમાં એક પાંચમું પાસ મજૂરને પણ કોલેજમાં લેક્ચરર બનાવવાનો કોન્ટ્રાક્ટ લે છે.