ગાંધીનગરના દહેગામ તાલુકાના જુના પહાડિયામાં બારોબાર આખુ ગામ વેચી દેવાનો મામલો સામે આવ્યો હતો, ગામની જમીન ખોટી રીતે વેચવાને લઈને આખરે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ખોટી રીતે જમીન વેચવા અંગે રખિયાલ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સબ રજીસ્ટ્રારને ગેરમાર્ગે દોરનાર સામે ગુનો નોંધાયો છે. જમીનનો દસ્તાવેજ કરવા માટે સબ રજીસ્ટ્રારને ખુલ્લી જમીન બતાવીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને જમીનનો દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલો ધ્યાને આવ્યા બાદ હવે આખરે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ઉલ્લેખનીય છે કે દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો બારોબાર જ સોદો કરવામાં આવ્યો હતો અને જે સર્વે નંબરમાં સમગ્ર ગામ વસ્યુ છે તેને વેચી મારવામાં આવતા ગ્રામજનો અચાનક ભડક્યા હતા અને આક્રોશે ભરાયા હતા.
7/12ના કાગળમાં કાચી નોંધ પડતા ગ્રામજનોને જાણ થઈ હતી કે ગામ બારોબાર વેચાઈ ગયુ છે. ત્યારે ભડકેલા ગ્રામજનોએ દહેગામ મામલતદાર ઓફિસ ખાતે રેલી સ્વરૂપે સુત્રોચાર કરીને મામલતદાર અને સબ રજીસ્ટારને આવેદનપત્ર આપ્યું હતું અને દસ્તાવેજ રદ કરવાની માગણી કરી હતી. ત્યારે હવે દહેગામ મામલતદાર સહિતનું તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને આ મામલાને લઈને તપાસમાં લાગ્યુ છે.
તમને જણાવી દઈએ કે આ ગામમાં લગભગ 80થી વધુ પરિવારો છેલ્લા 50 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. ત્યારે તે ગામની જમીનને બારોબાર વેચી મારવામાં આવી હોવાની જાણકારી સામે આવતા જ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ સર્વે નંબરવાળી જમીન વેચી દેનારા ઈસમોના નામ ગામના 7/12ના ઉતારામાં ચાલતા હોવાનો ગેર લાભ લીધો હોવાની વિગતો સામે આવી છે. બીજી તરફ ગ્રામજનોનો આક્ષેપ છે કે ખોટા ફોટા અને ખોટા આંકડા અને નકશા દ્વારા અધિકારીઓની મિલીભગતથી આ દસ્તાવેજ થયો છે અને ગ્રામજનો આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવાની પણ માગ કરી રહ્યા છે.