સાયબર નાણાકીય ફ્રોડના કિસ્સાઓમાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. પરંતુ, પાંચ લાખથી ઓછી રકમ હોય અને ફ્રોડના પ્રથમ ત્રણ લેયર સિવાયના બેન્ક એકાઉન્ટ હોય તે ફ્રીઝ ન કરતાં તેમાં લીયન એમાઉન્ટ એટલે કે ફ્રોડની રકમ જ ફ્રીઝ કરવી તેવો આદેશ રાજ્યના પોલીસ વડાએ કર્યો છે.
ડીજીપીએ આ નિયમપત્ર જારી કર્યાને એક અઠવાડિયું વિતી ગયું છે પરંતુ તેનો અમલ હજુ સુધી થઈ રહ્યો નથી. સાયબર ફ્રોડના કિસ્સામાં અમુક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતાં હતાં તેના પગલે રાહતરૂપ આદેશ કરાયો હતો. જો કે, આ આદેશનો હજુ અમલ થયો નથી. બીજી તરફ, શંકાસ્પદ ફ્રીઝીંગની તપાસ આરંભાઈ છે.ઓનલાઈન ફ્રોડ, ક્રિકેટ સટ્ટો, ઓનલાઈન ગેમિંગ કે પછી બિલિંગ કૌભાંડ કે ડબ્બા ટ્રેડિંગના પૈસાની હેરાફેરી ઓનલાઈન પેમેન્ટ ગેટ-વેના ઉપયોગથી કૌભાંડીઓને જાણે છૂટો દોર મળી ગયો છે. પોલીસ તંત્રમાં બેંક ખાતા બ્લોક કરવાની અમર્યાદિત સત્તા અને સીલસીલો શરૂ થવાથી હજારો બેન્ક ખાતાં ધારકોએ પોતાની નિર્દોષતા સાબિત કરી બેન્ક ખાતું ખોલાવવા જતા વ્યક્તિઓ તોડબાજી અને ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યાની ફરિયાદો વ્યાપક બની રહી છે. કોઈ એક ખાતામાં જેટલી રકમની હેરાફેરી થઈ હોય તેના કરતાં અનેકગણી રકમ હોય તે તમામ રકમ બ્લોક કરી દેવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ રકમ છૂટી કરવા અને બેંક ખાતું અનબ્લોક કરવા માટે ઓછામાં ઓછી પાંચ આંકડાની રકમનો ભ્રષ્ટાચાર કરવા પોલીસ જાણે કે પેધી પડી રહી હોવાની ફરિયાદો વધી રહી છે. ઇન્કમટેક્સ, જીએસટી સહિતની કેન્દ્ર સરકારની એજન્સીઓ આર્થિક કૌભાંડોમાં બેંક ખાતા ટાંચમાં લે ત્યારે અસરકર્તા રકમ જ બ્લોક કરાવે છે. પરંતુ પોલીસ આખું ખાતું બ્લોક કરી દે છે. આ કારણે અસરકર્તા બેંક ખાતાધારકના વ્યવહારો અટકી પડે છે એવી લોક ફરિયાદો હતી.
આવી લોક ફરિયાદોના પગલે ડીજીપીએ પોલીસ તંત્ર માટે SOPનો નિયમપત્ર જારી કર્યો છે. આ નિયમપત્ર મુજબ, સાયબર નાણાકીય ફ્રોડના કિસ્સામાં લેવલ 1, 2 અને 3 અગાઉ કોઈ નાણાકીય ફ્રોડમાં સંડોવાયેલાં ન હોય અને ફ્રોડની રકમ પાંચ લાખથી ઓછી હોય તો ફક્ત લીયન એમાઉન્ટ ફ્રીઝ કરવાનો આદેશ કરાયો છે. આવા કિસ્સામાં સંપૂર્ણ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે તે પ્રથા તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિયમપત્ર ડીજીપીએ તા. 8 જુલાઈએ બહાર પાડ્યો છે. સાયબર નાણાકીય ફ્રોડના કિસ્સાઓમાં ફ્રોડની રકમ પાંચ લાખથી વધુ હોય તેવા દરેક કિસ્સામાં લેવલ 1, 2 અને 3ની સંપૂર્ણ રકમ ફ્રીઝ કરવાની રહેશે. તપાસ દરમિયાન ધ્યાને આવેલા તથ્યોને ધ્યાનમાં રાખી અનફ્રીઝ કરવા અથવા તો ફક્ત લીયન અમાઉન્ટ ફ્રીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે તેવો આદેશ ડીજીપીએ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, ડીજીપીએ આદેશ કર્યાના અઠવાડિયા સુધી ગાંધીનગરના જ અમુક એકમોમાં આ આદેશ હજુ સુધી પહોંચ્યો નથી. જો ગાંધીનગરમાં એ આદેશ સત્તાવાર રીતે અમલમાં ન આવ્યો હોય તો સમગ્ર રાજ્યમાં તેનો અમલ કઈ રીતે થાય તેવો સવાલ થઈ રહ્યો છે.
નોંધપાત્ર બાબત એ છે કે, સત્તાવાર આંકડા મુજબ વર્ષ 2023 દરમિયાન ફાઈનાન્સિયલ ફ્રોડના કિસ્સાઓમાં આખા દેશમાં ગુજરાતમાં આવેલી કુલ 1.21 લાખ ફરિયાદોમાં 156 કરોડની રકમ બેન્કો કે અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા લીયન એટલે કે ફ્રીઝ કરવામાં આવી હતી. 850 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના ફૂલ 850 કિસ્સામાં 17 ટકા એટલે કે 156 કરોડની રકમ ફ્રીઝ, લીયન કરી ગુજરાત દેશભરમાં ટોચનું રાજ્ય હતું. ગુજરાત પછી મહારાષ્ટ્રએ 103 કરોડ, કર્ણાટક 73 કરોડ, તમીલનાડુ 69 કરોડ, ઉત્તરપ્રદેશ 59 કરોડ અને આંધ્રપ્રદેશમાં 47 કરોડ ફ્રીઝ કરવામાં આવ્યાં હતાં. સાયબર ફ્રોડના કિસ્સા ઉપર અંકુશ મેળવવા માટે ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર કાર્યરત છે તેમાં વર્ષ 2023માં કુલ 1200 કરોડની છેતરપિંડીની 4.7 લાખ ફરિયાદો આવી હતી.
જાણકારોનું કહેવું છે કે, બીજા રાજ્યોમાંથી આચરવામાં આવતાં સાયબર ક્રાઈમના નાણાંની હેરાફેરી ગુજરાતના એકાઉન્ટસમાં પણ થાય છે. આ સંજોગોમાં ગુજરાત પોલીસને બેન્ક ખાતાં નહીં પણ બેન્ક ખાતાંમાં રહેલા છેતરપિંડીના પૈસા જ ફીઝ કરવા તેવો આદેશ અમલ દેશવ્યાપી ન બને ત્યાં સુધી અધકચરો જ બની રહેશે.ગુજરાત પોલીસ માટે સૌથી ગંભીર બાબત પોલીસ તંત્રને બદનામ કરે તે પ્રકારે મળતિયા થકી બેન્કખાતાં ખોલાવીને નિશ્ચિત એકાઉન્ટમાં તોડી રકમ ટ્રાન્સફર કરી ખાતાં ફ્રીઝ કરવાની છે. આયોજનબધ્ધ રીતે ચાલતાં તોડબાજીના આ પ્રકારના કારસ્તાનમાં અગાઉ ઉચ્ચ અધિકારીની સંડોવણી પણ ખુલી ચૂકી છે. આ પ્રકારે બેન્ક એકાઉન્ટસના શંકાસ્પદ ફ્રિઝીંગના અમુક કિસ્સા પણ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ઉપર આવ્યાં છે. ઉચ્ચ સૂત્રોનું કહેવું છે કે, શંકાસ્પદ ફ્રિઝીંગના કિસ્સાઓમાં તથ્યો જણાશે તો આગામી દિવસોમાં ચોંકાવનારાં તથ્યો અને કાર્યવાહી થઈ શકે છે.