22 જુલાઈથી કેન્દ્ર સરકારનું બજેટ સત્ર શરુ થશે અને તેના એક દિવસ બાદ એટલે કે 23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટથી લોકોને વધુ આશા છે. મધ્યમ વર્ગના લોકોને લાગે છે કે આ વર્ષે સરકાર તેમને થોડી રાહત મળી રહે એવા નિર્ણય લઇ શકે છે. જેમાં કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે. લઘુત્તમ પગાર 15 હજાર ધરાવતા કર્મચારીઓનો પગાર વધારીને 25 હજાર રૂપિયા થઈ શકે છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યા બાદ તે ત્રીજી ટર્મના પ્રથમ બજેટમાં વિવિધ વર્ગને આવરી લેતાં અનેક આકર્ષક જાહેરાતો કરશે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે. જેમાં ઈ-કોમર્સ અને કંસ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરતાં અસ્થાયી કર્મચારીઓ અર્થાત છૂટક મજૂરો માટે બજેટમાં મોટી જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છૂટક કામદારો અને પ્લેટફોર્મ કામદારોને એક્સિડેન્ટલ અને મેડિકલ ઈન્સ્યોરન્સની ભેટ મળી શકે છે.
કેન્દ્ર સરકાર પૂર્ણ બજેટમાં નેશનલ પેન્શન સ્કીમ સભ્યોને રાહત આપવા અનેક જાહેરાતો કરી શકે છે. પેન્શન ફંડ રેગ્યુલેટર પીએફઆરડીએએ આ વર્ષે સરકાર સમક્ષ ટેક્સ મુક્તિ મર્યાદા વધારવા રજૂઆત કરી હતી. હાલ ઈપીએફ ખાતામાં એમ્પ્લોયર અને કર્મચારીઓનું યોગદાન 12-12 ટકા છે. જેના પર ટેક્સ છૂટ મળે છે. એનપીએસમાં ખાનગી ક્ષેત્રના 10 ટકા યોગદાન પર જ ટેક્સ છૂટ મળે છે. પીએફઆરડીએએ આ છૂટ મર્યાદા વધારી 12 ટકા કરવા ભલામણ કરી છે. નિષ્ણાતોનું માનવુ છે કે, જો સરકાર એનપીએસમાં એમ્પ્લોયરના યોગદાનની મર્યાદા વધારે છે, તો ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ વચ્ચેનો તફાવત દૂર થશે. વધુમાં ખાનગી કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ માટે સારૂ એવુ ફંડ તૈયાર કરવાનો માર્ગ મોકળો બનશે. નવી પેન્શન સ્કીમ પસંદ કરનારા કર્મચારીઓ અને એમ્પ્લોયરને પણ 12 ટકા ટેક્સ છૂટનો લાભ મળશે.
ટેક્સ મોર્ચે પણ નોકરીયાત વર્ગને અપેક્ષા છે કે, સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ છૂટ મર્યાદા વધારી શકે છે. હાલ કલમ 80 સીસીડી (1બી) અંતર્ગત રૂ. 50 હજારનું સ્વૈચ્છિક યોગદાન સંબંધિત એડિશનલ બેનિફિટ માત્ર જુની ટેક્સ વ્યવસ્થા પર લાગૂ છે. જૂની ટેક્સ વ્યવસ્થાના સ્લેબ અને રેટમાં 2014 બાદથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકાર નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ પણ કપાતની મંજૂરી આપવા વિચારી શકે છે. જેનાથી સરકારના બે ઉદ્દેશ પૂર્ણ થશે. પ્રથમ- ટેક્સદાતાઓને નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ વધારાની કપાતનો લાભ મળશે, બીજુ નવી ટેક્સ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા સરકારનો ઉદ્દેશ અનુરૂપ પેન્શન સ્કીમમાં રોકાણ વધશે.
સરકાર એક સોશિયલ સિક્યોરિટી ફંડ બનાવવાની જાહેરાત કરી શકે છે. સૂત્રો અનુસાર, ગીગ વર્કર્સની સામાજિક સુરક્ષા માટે સામાજિક સુરક્ષા માટે બજેટમાં ખાસ જાહેરાત કરી શકે છે. એક્સિડેન્ટલ અને મેડિકલ કવરેજ માટે આ ફંડનો ઉપયોગ કરશે. ESIC જેવી સંસ્થામાં મેડિકલ ફેસિલિટી આપવા મંજૂરી આપી શકે છે. આ ફંડમાં કર્મચારી, એગ્રિગેટર્સ, અને સરકારના યોગદાન આપશે.
છૂટક કામદારો માટે આ ફંડ નિવૃત્તિનો લાભ સહિત અન્ય સુવિધા પણ આપશે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ સિક્યોરિટી કોડ 2020માં આ પ્રકારની સુવિધા આપવાની જોગવાઈ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ બજેટ 2024-25 રજૂ કરશે. બજેટ સેશન 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. 23 જુલાઈ લોકસભામાં સવારે 11 વાગ્યે સીતારમણ બજેટ રજૂ કરશે. જેના ભાગરૂપે 22 જુલાઈએ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે.
હાલમાં કેન્દ્ર સરકારના એમ્પ્લોઇમેન્ટ પ્રોવિડન્ટ ફંડ માટે લઘુત્તમ પગાર રૂ. 15,000 છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં આ વર્ષના બજેટમાં વધારીને રૂ.25,000 કરવામાં આવી શકે છે. 23 જુલાઈએ નાણામંત્રી બજેટમાં તેની જાહેરાત કરીને વર્ષોથી ચાલી આવતી માંગને પૂરી કરી શકે છે. દેશમાં છેલ્લા 10 વર્ષથી લઘુત્તમ વેતનમાં વધારો થયો નથી. જયારે ફુગાવામાં સતત વધારો થતો રહે છે. છેલ્લે 1 સપ્ટેમ્બર 2014ના રોજ લઘુત્તમ વેતન રૂ. 6,500થી વધારીને રૂ. 15,000 કરવામાં આવ્યું હતું.
હાલમાં સેન્ટ્રલ એમ્પ્લોઇમેન્ટ પ્રોવિડન્ટ ફંડમાં લઘુત્તમ વેતન રૂ. 15 હજાર રૂપિયા છે. જો કે, કર્મચારી રાજ્ય વીમા નિગમમાં લઘુત્તમ વેતન રૂ. 21 હજાર રૂપિયા છે. ESIC એ વર્ષ 2017માં જ લઘુત્તમ પગારમાં વધારો કર્યો હતો. EPF ખાતામાં કર્મચારી અને એમ્પ્લોયર બંને મળીને બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાના 12-12 ટકા યોગદાન આપે છે. આમાં, કર્મચારીઓનું સંપૂર્ણ યોગદાન EPFO ખાતામાં જમા થાય છે અને એમ્પ્લોયરનું 8.33 ટકા યોગદાન કર્મચારી પેન્શન યોજનામાં અને 3.67 ટકા યોગદાન પીએફ ખાતામાં જાય છે.