અમદાવાદ
ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીએ તેઓના વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડીસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ પતરાના શેડ નં-૧૨,૧૩ માં વિજય ગજેરા તથા સુનીલ યાદવ તથા હરેશ કોરાટ નામના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવીને મુંબઇના સલીમ સૈયદ નામના માણસને વેચાણ આપે છે.ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એ.ટી.એસ.ના ઉચ્ચ અધિકારીશ્રીઓને જાણ કરી આ માહિતીને ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા ખરાઈ કરાવી તથા ડેવલોપ કરી ચોક્કસ ઈન્ટેલીજન્સને આધારે ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ. એલ. ચૌધરી નાઓના નેતૃત્વમાં પો. ઈન્સ. શ્રી સી.એચ.પનારા, પો.ઇન્સ. શ્રી વી.એન.વાઘેલા, પો.સ.ઇ. વાય.જી.ગુર્જર, પો.સ.ઇ. શ્રી બી.ડી.વાઘેલા, પો.સ.ઇ.શ્રી એમ.એન.પટેલ, પો.સ.ઇ.શ્રી એચ.ડી.વાઢેર, પો.સ.ઇ. શ્રી બી.જે.પટેલ તેમજ પો.વા.સ.ઈ. શ્રી આર.સી.વઢવાણા તથા કર્મચારીઓની ટીમે સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક મોટા પતરાના શેડ ખાતે રેડ કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ/ફેક્ટરી શોધી કાઢી હતી જેમાં ૪ કિલો મેફેડ્રોન તથા ૩૧.૪૦૯ કિલો લિક્વીડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત રૂ. ૫૧.૪૦૯ કરોડ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. આ રેડ દરમ્યાન નીચે મુજબના ઈસમોની અટકાયત કરવામાં આવેલ છે.
(૧) સુનીલ રાજનારાયણ યાદવ ઉ.વ.૨૮ રહે.૫૦૨, બી-૨, વીંગ, દેવ તપોવન, વાપી
(૨) વિજયભાઈ જેઠાભાઈ ગજેરા ઉ.વ.૩૮ રહે.બી/૩૦૧, હરીવીલા રેસીડેન્સી, સાંવલીયા સર્કલ, યોગીચોક, વરાછા, સુરત
ઉપરોક્ત પકડાયેલ ઈસમોની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે કે, તેઓ બન્નેએ તથા હરેશભાઈ કોરાટ નાઓએ ભાગીદારીમાં મેકેડોન બનાવવાનું શરૂ કરેલ છે. અને અગાઉ એક કન્સાઇન્મેન્ટ ૪-કિલોનું બનાવીને મુંબઇના સલીમ સૈયદ તથા તેના સાગરીતોને વેચાણ આપેલ છે. આ કામ માટે તેઓએ આ પતરાંનો શેડ રૂ.૨૦,૦૦૦/-ના માસિક ભાડાથી રાખેલ હતો. વધુ પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે પકડાયેલ આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રીકલ એન્જીનિયર છે તથા સુનિલ યાદવ કેમીકલ ટ્રેડીંગના ધંધા સાથે જોડાયેલ છે અને તેઓ આ મેફેડ્રોન બનાવવાનું ઓનલાઇન વિડીયો જોઇને શીખેલ હોવાનું જણાવે છે. પતરાના શેડવાળી ફેક્ટરીમાં ચાલતા આ યુનિટને ગુજરાત એ.ટી.એસ.ની ટીમે રેડ કરી સીલ કરેલ છે. આ કામે એ.ટી.એસ. ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમગ્ર ઓપરેશનમાં સુરત એસ.ઓ.જી. તથા વલસાડ એસ.ઓ.જી. મદદમાં રહેલ. તેમજ આરોપી હરેશ કોરોટને જુનાગઢ એસ.ઓ.જી.ની મદદથી પકડી પાડવામાં આવેલ છે તેને અટક કરવાની કાર્યવાહી ચાલુમાં છે.