ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાઇરસને કારણે બાળકોનાં ટપોટપ મોત થઈ રહ્યાં છે. ગઈકાલના આંકડા અનુસાર અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 15 બાળકો ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ હેઠળ મોતની ભેટ્યાં છે. જ્યારે અન્ય બાળકોનાં સેમ્પલ પુના ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ બાળદર્દીઓ મહાનગરોની હોસ્પિટલોમાં આવી રહ્યા છે. વિસ્તારોમાં જ નહીં પણ મહાનગરોમાં પણ દેખા દીધી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 6 કેસ નોંધાયા છે જેમાં 2 બાળકનાં મોત થયાં છે. જ્યારે 3 બાળદર્દી સારવાર હેઠળ છે, જેમાં એક વેન્ટિલેટર પર છે અને એકને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે રાજકોટમાં શંકાસ્પદ 5 કેસ નોંધાયા હતા. આ પાંચેય કેસમાં પાંચેય બાળકનાં મોત થયાં છે. વડોદરામાં 7 શંકાસ્પદ કેસમાં 3 બાળકનાં મોત થયાં છે, 2 દર્દી ICUમાં અને 2ની હાલત સ્થિર છે. સારવાર લઈ રહેલાં બાળકોનાં માતા-પિતામાં ફફડાટ છે.
ગઈકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસથી બે બાળકોનાં મોત થયાં હતાં તથા અન્ય ત્રણ બાળકો હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાંથી એક બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું છે. જ્યારે અન્ય બે બાળકોની સ્થિતિ સ્થિર છે. મહત્ત્વનું છે કે, અમદાવાદમાં પણ બે વિસ્તારમાંથી ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ એક-એક કેસ નોંધાયા છે. જેમાં એક આંબાવાડી વિસ્તાર અને એક ચાંદલોડિયા વિસ્તારમાંથી કેસ નોંધાયા છે.
સિવિલ હોસ્પિટલ તરફથી આપવામાં આવતી માહિતી મુજબ, અમદાવાદનાં બાળકો ચાંદલોડિયા અને આંબાવાડી વિસ્તારના છે, તેનાથી વધુ કોઈપણ માહિતી આપવા માટે સિવિલ તંત્ર તૈયાર નથી. બાળકોની સ્થિતિ હાલમાં સ્થિર છે. તેમજ જાણવા મળી રહ્યું છે કે, ગઈકાલે જે બે બાળકોનાં મૃત્યુ થયાં તેમાંથી એક બાળક મહેસાણાનું જ્યારે અન્ય એક બાળક દહેગામનું વતની હતું. હાલમાં જે ત્રણ બાળકો સારવાર લઈ રહ્યાં છે તે તથા અન્ય ત્રણ બાળકો જેમાંથી બે બાળકોનાં મોત થયાં છે અને એક બાળકને ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇઝ આપવામાં આવ્યું છે. આ તમામ છ બાળકોનાં સેમ્પલ ગત 15 જુલાઈના રોજ પુના ખાતે મોકલવામાં આવ્યાં હતાં. મહત્ત્વનું છે કે, પુનાથી રિપોર્ટ આવતા લગભગ એક સપ્તાહ જેટલો સમય લાગે છે. એટલે કે, આગામી ત્રણથી ચાર દિવસમાં પૂરતી જાણકારી મળશે કે કયા બાળકને ચાંદીપુરા વાઈરસ છે તથા અન્ય કોઈ બાળકને ફક્ત વાઈરલ ઇન્ફેક્શન અથવા ફ્લૂ જેવાં લક્ષણો હતાં. જેની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકશે.
હાલમાં સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો 1200 બેડની હોસ્પિટલમાં તમામ ત્રણ ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ બાળદર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. તમામ ગતિવિધિ ખૂબ જ સામાન્ય છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યું તો તેમાં અમદાવાદ શહેરની બહારથી આવેલા એકથી બે વાલી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે ચાંદીપુરા વાઈરસ વિશે સાંભળ્યું છે. પરંતુ તેમાં શું થાય છે તે હાલમાં પૂરતી માહિતી નથી. જ્યારે અન્ય એક વાલીએ કહ્યું કે, ચાંદીપુરા વાઈરસમાં તાવ આવે છે. આથી માખી અને મચ્છરથી બાળકોને દૂર રાખીશું. પરંતુ નિયમ અનુસાર કોઈપણ વાલી સિવિલ હોસ્પિટલમાંથી કેમેરા સામે વાત ન કરી શકે અને આ વાલી પોતાના બાળક સાથે એકલા હોવાથી તેમણે બહાર આવવાની પણ ના પાડી હતી.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રાકેશ જોશીના જણાવ્યા અનુસાર ત્રણ બાળકો સારવાર લઈ રહ્યાં છે. જ્યારે તમામ બાળકોના રિપોર્ટ એક સપ્તાહ બાદ આવશે. આથી હવે 15 જુલાઈથી એક સપ્તાહ એટલે કે, ચાર દિવસ બાદ રિપોર્ટ મળી શકશે અને પૂરતી માહિતી પ્રાપ્ત થશે. હાલમાં સિવિલ હોસ્પિટલ પાસે ચાંદીપુરા વાઈરસની સામે લડત આપી શકાય તે માટે પૂરતી દવા અને પૂરતી વ્યવસ્થા છે. આ ઉપરાંત ઓક્સિજનનો જથ્થો પણ સિવિલ હોસ્પિટલ પાસે પૂરતા પ્રમાણમાં છે. અન્ય કોઈ શહેરમાંથી અથવા ગામડામાંથી કે અન્ય કોઈ રાજ્યમાંથી પણ જો ચાંદીપુરા વાઈરસના કેસ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવશે તો તેને પૂરતી ગંભીરતાથી લઈને બાળકને સ્વસ્થ કરવા માટે પૂરતા પ્રયત્નો સિવિલ હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને આ માખી જ્યાં કાચા મકાનો અને ઈંટવાળા મકાનો હોય ત્યાં જોવા મળતી હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાં બે બાળકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં ચાંદલોડિયા સરદારનગર અને સૈજપુરમાં કેસ જોવા મળ્યા છે. આ વિસ્તારમાં મેલેથીઓન દવા છાંટવામાં આવી છે. જેથી મચ્છર માખીનો ઉપદ્રવ ઓછો થાય. ખાનગી હોસ્પિટલના ડોક્ટરોને પણ સૂચના આપી છે કે, 14 વર્ષથી નીચેના બાળકોમાં જો ભારે તાવ હોય અને બેથી ત્રણ દિવસમાં કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે જ્યાં તેમના સેમ્પલ લઈ અને પૂણે ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. અમદાવાદના ત્રણ શંકાસ્પદ કેસના રિપોર્ટ ત્રણથી ચાર દિવસમાં આવી જશે.
ગુજરાતભરમાં હાલ ચાંદીપુરા વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યારસુધીમાં કુલ 15 દર્દીઓનાં મોત નીપજ્યા છે. જેમાં રાજકોટમાં પણ આ ચાંદીપુરા વાઈરસના બે શંકાસ્પદ દર્દીનાં મોત નીપજ્યા હોવાનું સામે આવતા સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. MCH બિલ્ડિંગમાં ICU સાથેના 7 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેમજ જરૂરી ઈન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું.
ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાંથી 2 શંકાસ્પદ દર્દીઓ સામે આવી ચૂક્યા છે. બંને દર્દીઓને ગંભીર હાલતમાં અન્ય હોસ્પિટલથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જો કે, રિપોર્ટ આવતા પહેલાં જ આ બંને દર્દીઓનાં મોત નીપજ્યા છે. ત્યારે રાજકોટમાં ચાંદીપુરા વાઈરસ છે કે નહીં તે બંને દર્દીઓના રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાશે. આમ છતાં ચાંદીપુરા વાઈરસને લઈને સિવિલ હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. હાલમાં નવી MCH બિલ્ડિંગ ખાતે ખાસ ICU સાથેના 7 બેડની વ્યવસ્થા કરાઈ છે. તેમજ જરૂર પડ્યે બેડની સંખ્યા ગમે તેટલી વધારવા માટે તંત્રની તૈયારી છે. એટલું જ નહીં અહીં દવાઓ, ઈન્જેક્શન અને નિષ્ણાત ડોક્ટરો સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. ત્યારે આ વાઈરસથી લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની અપીલ તેમણે કરી હતી.
વડોદરાની એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના HOD ઓમપ્રકાશ શુક્લાએ જણાવ્યું હતું કે, બાળરોગ વિભાગમાં હાલમાં 7 કેસ સામે આવ્યા છે તે તમામ સેમ્પલ હાલમાં પુણે ખાતે મોકલવામાં આવ્યા છે. હાલમાં આપણે આ શંકાસ્પદ કહી શકાય. ચાંદીપુરા કહી શકીએ નહીં. કારણ કે, હાલમાં એકપણ રિપોર્ટ આવ્યો નથી. હાલમાં 7માંથી ત્રણનાં મોત થયાં છે તે તમામ શંકાસ્પદ છે. બે દર્દી હાલમાં આઇસીયુમાં દાખલ છે અને બે દર્દી સાજા થતા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મોટાભાગના દર્દીઓની ઉંમર 1થી 6 વર્ષની છે. આમાંથી મોટાભાગના દર્દીઓ પંચમહાલ, ગોધરા અને છોટાઉદેપુર વિસ્તારમાંથી આવે છે. હાલમાં એસએસજી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાથે જ કલેક્ટર કચેરી અને હેલ્થ ડિપાર્ટમેન્ટ કામગીરી કરી રહ્યું છે. આ વિભાગમાં હાલમાં આઇસીયુ અને ટ્રીટમેન્ટ અંગેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વડોદરાના કલેક્ટરે જિલ્લા, શહેર અને અન્ય સ્થળેથી આવનાર કેસની જાણકારી મેળવી આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.
બેઠક બાદ કલેક્ટર બીજલ શાહે જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં વધારો થતાં જિલ્લા આરોગ્ય અધિકારી સાથે બેઠક યોજી હતી. હાલ વડોદરામાં બહારના જિલ્લાના શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. જરૂર પડ્યે બેડ વધારવા અને અત્યારની હોસ્પિટલની સ્થિતિ જાણી છે. ગોત્રી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા જોવા આદેશ કરવામાં આવ્યો છે. વડોદરાના ખાનગી બાળરોગ તબીબોને તૈયાર રખાશે. મોટી ખાનગી હોસ્પિટલોને પણ તૈયાર રહેવા સૂચના આપી છે.
સુરત સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડો. ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાઈરસના કોઈ કેસ હજી સુધી સુરત સિવિલમાં સામે આવ્યા નથી. આ સાથે કોઈ શંકાસ્પદ કેસ પણ હજુ સુધી સામે આવ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બપોર બાદ 3 વાગ્યે આરોગ્યમંત્રીની સિવિલ સુપરિન્ટેન્ડન્ટ અને આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ થશે.