ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસમાં રોકેટગતિએ વધારો થયો છે અને ચાંદીપુરાના કારણે માસૂમ બાળકોના મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજ્યમાં કાળમુખા વાઈરસના કારણે અત્યાર સુધીમાં 20થી વધુ માસૂમ બાળકોના જીવનદીપ બુઝાઈ ગયા છે. પાટનગર ગાંધીનગર સુધી પણ વાઈરસ પહોંચી ચૂક્યો છે. ભાટની 15 મહિનાની બાળકી અને દહેગામના 7 વર્ષના બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં બંનેના રિપોર્ટ આવે તે પહેલા જ મોત નિપજી ચૂક્યા છે.
ગાંધીનગરના ભાટમાં રહેતા પરિવારની 15 મહિનાની માસૂમનું શંકાસ્પદ મોત થતા આ વિસ્તારની સ્થિતિ જાણવા જેવી છે.
ભાટ ટોલટેક્સથી એકાદ કિલોમીટર નદી તરફ જતાં રોડને અડીને છૂટાછવાયા ઝુંપડા જોવા મળ્યા હતા. જ્યાં અગાઉથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલી રહી હતી. વરસાદી પાણીના ખાબોચીયા કાદવ કીચડભર્યા માહોલમાં શ્રમજીવી પરિવારો આરોગ્યની ટીમ સાથે વાતચીત કરીને જરૂરી વિગતો આપી રહ્યા હતા.
માતાએ રડતાં રડતાં કહ્યું- ‘મારી એકની એક દીકરી ચાલી ગઈ’
શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસની ઝપેટમાં આવીને મોતને ભેટનાર 15 મહિનાની માસુમ બાળકીના પરિવાર પાસે પહોંચ્યા હતા. જ્યાં પહોંચતા જ સગા વહાલા બાળકીની લૌકિકક્રિયાઓ માટે આવીને બેઠા હતા. એવામાં બાળકી વિશે પૂછતાં જ એક મહિલા બોલી ઉઠે છે. મારું નામ દીનાબેન અરવિંદભાઈ સોલંકી, મારી જ એકની એક 15 મહિનાની બાળકી મરી ગઈ છે. આગળ વાત કરતા દીનાબેને કહ્યું કે, હસતી રમતી દીકરી માહીને અચાનક ઉલ્ટી ઝાડા થઈ ગયા હતા. એટલે અમે એને દહેગામના દવાખાને લઈ ગયા હતા. જ્યાં એક દિવસ સારવાર કરાવી પરત આવી ગયા હતા. પરંતુ ઘરે આવતાં જ છઠ્ઠી જુલાઈએ માહીને ઉલ્ટીઓ થવા લાગી હતી. જેથી એને સિવિલ હોસ્પિટલ લઈને દોડ્યા હતા. સિવિલમાં પહોંચતા જ એ લોકોએ માહીને વેન્ટિલેટર પર લઈ લીધી હતી. માહીને હસ્તી રમતી હતી એને કશું હતું જ નહીં. બસ ઉલ્ટી થઈને વેન્ટિલેટર પર લઈ લીધી હતી.
નવ દિવસ સુધી મારી માહીને વેન્ટિલેટર પર રાખવામાં આવેલી. વચ્ચે વચ્ચે ભાનમાં આવતી તો બે હાથ લાંબા કરીને મમ્મી મને તેડી લે એવા ઇશારા પણ કરતી હતી. એના ધબકારા બધું બરોબર ચાલતું હતું અને અચાનક શું થયું કે ડોક્ટરોએ અમોને બહાર નીકળી જવા કહ્યું હતું. દાખલ રહી ત્યાં સુધી રિપોર્ટ નોર્મલ આવતાં હતાં. મોટા મોટા સાહેબો જોવા આવતા હતા. કોઈ તાવ નહીં હસ્તી રમતી ખાલી ઝાડા ઉલ્ટીમાં આવું થઈ જાય? એટલામાં લાચાર દીનાબેન ચોધાર આંસુએ કહ્યું એવો કયો રોગ છે? બાળકોને વેન્ટિલેટર પર લઈ જવા પડે એમ નેમ કોઈ ઈલાજ જ નથી? જ્યારે અન્ય એક સગાએ કહ્યું આટલી નાની દીકરીને છેલ્લે છેલ્લે એક ઈન્જેક્શન આપ્યું ને સોજા આવી ગયા હતા. અને થોડીક વારમાં ડોક્ટરોએ કીધું કે તમારો કેસ ખતમ છે.
મનપાની ટીમ અન્ય ઘરો અને ઝૂંપડામાં કામગીરી કરતી જોવા મળી
બીજી તરફ ભાટનાં અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામીએ કહ્યું કે, બાળકીનુ સેમ્પલ NIV PUNE ચાંદીપુરા વાઈરસ માટે મોકલવામાં આવેલ. જો કે ગઈકાલે તેનું મૃત્યુ થયું છે. અત્રેના વિસ્તારમાં ચાર ટીમ દ્વારા સર્વેલન્સ ચાલુ કરાવેલ છે. અહીં કુલ 30 કાચા છુટાછવાયા છાપરા છે. તમામ ઘરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરેલ છે. ઉપરાંત વસાહતીઓને સ્વચ્છતા જાળવવા પણ સમજ અપાવવામાં આવી રહી છે. અહીંનાં વિસ્તારમાં સઘન સર્વેલન્સની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે. દરરોજ 0 થી 14 વર્ષના બાળકોનું સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહી છે. તાવ કે ઝાડા ઉલ્ટીનાં લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી આવી રહી છે.
ભાટની માફક જ દહેગામના અમરાજીના મુવાડામાં પણ સાત વર્ષના એક બાળકને તાવ, ખેંચ સાથે મગજના તાવની અસર જણાતા ચાંદીપુરા વાઈરસની તપાસ અર્થે બાળકનું સેમ્પલ પુનેની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યું હતું. પરંતુ ગઈકાલે મોડી સાંજે આ બાળકે પણ અમદાવાદ સિવિલમાં દમ તોડી દીધો છે. સાત વર્ષના બાળકને ગત તારીખ 9મી ના રોજથી તાવની અસર થઇ અને રાત્રે ખેંચ આવતા દહેગામ ખાતે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે બતાવવામાં આવ્યું હતું. જ્યાંથી વધુ સારવાર અર્થે બાળકને રીફર કરવામાં આવ્યું હતું જે બાદ નરોડાની ખાનગી હોસ્પિટલમાં પણ બાળદર્દી ને સારવાર આપવામાં આવી હતી. ત્યાં પણ બાળકની તબિયતમાં સુધારો ન થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
દહેગામના અમરાજીના મુવાડામાં સાત વર્ષના બાળકનો ચાંદીપુરા વાઈરસનો રિપોર્ટ આવે તે પહેલા જ સારવાર દરમિયાન મોત થતા આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ બની છે. અમરાજીના મુવાડા ખાતે જે વિસ્તારમાં બાળક રહેતો હતો તે અસરગ્રસ્ત વિસ્તારમાં સેંડફ્લાય કંટ્રોલ માટે રહેણાંક તથા ઢોર કોઠાર જેવા સ્થળે દવાનો છટંકાવ શરૂ કરી દેવાયો છે. ગ્રામ્ય, પરા તથા સીમ વિસ્તારમાં જુના માટીના મકાનો તેમજ પ્લાસ્ટર વગરના મકાનોની દિવાલોની તિરાડોમાં સેંડફ્લાય વધુ રહે છે.આ સ્થિતિએ મકાનોની દિવાલોની તિરાડો માટીના લીપણથી પુરી દેવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં અત્યાર સુધીમાં દહેગામ, કલોલ તેમજ મહાનગર પાલિકાની હદ વિસ્તારના ભાટમાં ત્રણ બાળકો શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. જે પૈકી પંદર મહિનાની બાળકી અને સાત વર્ષના બાળકને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. જ્યારે કલોલના એક બાળકની હાલ સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.