રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022 માં MPHW ની ભરતીમાં સીધું મેરિટમાં નામ લખાવી નોકરી અપાવવાની લાલચ આપીને અનેક વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાં હોવાનો ગંભીર આરોપ રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના PA અને અન્ય બે લોકો વિરુદ્ધ સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન- ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે.
આ સાથે વિદ્યાર્થીઓને તેમના રૂપિયા પરત આપવા, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન-ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને સંબોધી એક આવેદન પત્ર લખવામાં આવ્યો છે. આ આવેદન પત્રમાં રાજ્યનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના PA જગદીશ પંચાલ સહિત શિલ્પાબેન દવે અને ભરતભાઈ સોલંકી સામે વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. આવેદન પત્રમાં આરોપ લગાવતા જણાવ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022 માં MPHW ની પરીક્ષા લેવામાં આવી હતી. દરમિયાન, સાળંગપુર મંદિર ખાતે દર્શન કરવા ગયા ત્યારે કેટલાક છેતરપિંડીનો ભોગ બનનારા વિદ્યાર્થીઓની મુલાકાત મંદિરમાં દવાખાનું ચલાવતા ભરતભાઈ સોલંકી સાથે થઈ હતી.
આવેદન પત્રમાં આરોપ લગાવતા જણાવ્યું કે, ભરતભાઈ સોલંકીએ વિદ્યાર્થીઓની મુલાકાત શિલ્પાબેન દવે સાથે કરાવી હતી. શિલ્પાબેને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને તેમના PA જગદીશભાઈ પંચાલ સાથે તેમની સારી ઓળખાણ છે. ત્યાર બાદ શિલ્પાબેને મોટી મોટી વાતો કરીને વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લીધા હતા અને ત્યાર બાદ જગદીશ પંચાલ સાથે મુલાકાત પણ કરાવી હતી. દરમિયાન, જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, ગૌણ સેવાની MPHW ની ભરતી માટે એવા વિદ્યાર્થીઓને લઈ આવો જે રૂપિયા આપી શકે, જેથી આપણે તેમનું નામ સીધુ મેરિટમાં મૂકીને તેઓની MPHW માં સીધી ભરતી કરીશું.
આવેદન પત્ર મુજબ, તારીખ 15 જુલાઈ 2022 ના રોજ સ્વર્ણિમ સંકુલ-1, ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રીની ઓફિસમાં PA જગદીશ પંચાલે મુલાકાત કરી વિદ્યાર્થીઓ પાસેથી વ્યક્તિ દીઠ રૂ. 3થી 7 લાખ આપવાની વાત કરી હતી. જગદીશ પંચાલના કહેવાથી 50 ટકા રકમ શિલ્પાબેન દવને આપવામાં આવી હતી. જો કે, રૂપિયા લીધા બાદ કોઈ નોકરી આપવામાં આવી નથી. આ મામલે આરોગ્ય મંત્રીના PA જગદીશ પંચાલ, શિલ્પાબેન દવે અને ભરત સોલંકી વિરુદ્ધ વિદ્યાર્થીઓને નોકરી આપવાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કડક કાર્યવાહી કરવા, ભોગ બનેલા વિદ્યાર્થીઓને તેમના રૂપિયા પરત આપવા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા આવેદન પત્રમાં માગ કરાઈ છે. સાથે જ જો આ મામલે યોગ્ય અને ઝડપી કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરમાં આંદોલન કરવાની ચીમકી પણ સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન-ગુજરાત દ્વારા ઉચ્ચારવામાં આવી છે.