ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% જળ સંગ્રહ,સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૬.૪૦ ટકા જળ સંગ્રહ
ગાંધીનગર
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૭૨૪ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૨૩,૬૮૫ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૯.૯૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં ૧૫ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં ૫૧,૭૮૬ ક્યુસેક, ઉકાઈમાં ૩૧,૨૦૬ ક્યુસેક, રાણા ખીરસરામાં ૨૩,૬૫૬ ક્યુસેક, વેણુ-૨માં ૧૮,૯૦૬ ક્યુસેક, ઉમિયાસાગરમાં ૧૮,૪૬૮ ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં ૧૬,૦૨૪ ક્યુસેક, ઓઝત-વિઅરમાં ૧૫,૨૫૬ ક્યુસેક તથા સરદાર સરોવરમાં ૧૩,૪૧૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના ૨૯ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૧૯ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૫૦ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૬.૪૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૪૨.૫૫ ટકા,મધ્ય ગુજરાતના ૧૭માં ૩૫.૧૦, કચ્છના ૨૦માં ૩૨.૩૬ તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૫૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.