ગુજરાત ખેત વિકાસ પરિષદ દ્વારા સંચાલિત દાહોદની વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની નિમણૂંક માટે ૧૮.૫૬ લાખ ગેરકાયદે ઉઘરાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સી.આઇ.ડી. ક્રાઇમમાં નોંધાઇ હતી. આ કેસમાં સામેલ ચારેય આરોપીઓની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં માધવદીપ એપાર્ટમેન્ટમાં રહેતા કાંતિલાલ ચાવડા ગુજરાત ખેત વિકાસ પરિષદ, અમદાવાદમાં પ્રબંધ સમિતિના સભ્ય અને મંત્રી છે.
તેમણે સી.આઇ.ડી.ક્રાઇમ વડોદરા ઝોનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પરિષદ દ્વારા સંચાલિત વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે આવેલી છે. તેમાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૭ દરમિયાન ભરતી કરાયેલા શિક્ષકો પાસેથી ગેરકાયદે નાણાં ઉઘરાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. શાળામાં હાજર થવા આવેલા ૧૨ શિક્ષકો પાસેથી ડોનેશનના ઓથા હેઠળ ૧૮.૫૬ લાખ ઉઘરાવી લઇ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખી હતી. આ કેસમાં સી.આઇ.ડી.ક્રાઇમના ડીવાય.એસ.પી.
આર.એસ.પટેલે તત્કાલિન મંત્રી બાબુભાઇ વિરચંદભાઇ વાઘેલા, સંચાલક મંડળના નિયામક પરથીભાઇ રૃપાભાઇ પસાયા (રહે. પાંદડી, તા. ગરબાડા, જિ. દાહોદ) તથા શાળાના શિક્ષક નિલકંઠભાઇ ઇશ્વરલાલ ઠક્કર( રહે.સરસ્વતી નગર,દાહોદ) ની ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓએ જામીન પર છૂટવા માટે તથા અન્ય એક આરોપી એવા શાળાના હેડ ક્લાર્ક હરજીભાઇ પી. નગોતા (રહે. અભલોડા ગામ) એ આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલ અનિલ દેસાઇની રજૂઆતો ધ્યાને લઇ સ્પેશ્યલ જજ આર.એચ.પ્રજાપતિએ તમામ આરોપીઓની અરજી નામંજૂર કરી છે.